કોરોના મહામારીમાં બોગસ ઇન્જેંકશનોથી માંડીને બોગસ દવાઓ તેમજ બોગસ ડોકટરોનો ધીકતો ધંધો ચાલુ થઇ ગયો છે. તેમાંય દર્દીઓની સંખ્યા વધતાં બિલાડીના ટોપની માફક ડોકટરો પણ ફટી નીકળ્યા હતા. આવા બોગસ ડોકટરોને પકડવા માટે ઝુંબેશ હાથ ધરવાની રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાના આદેશના પગલે રાજયની પોલીસે સપાટો બોલાવી દીધો છે. છ મહિનાના સમયગાળામાં રાજયમાંથી એક, બે નહીં બલ્કે ૫૩ ડો.મુન્નાભાઈને પકડી પાડીને તેમની સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. .
હાલમાં કોરોનાની મહામારીના વચ્ચે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જયાં મોટી હોસ્પિટલો ન હોય ત્યાં અમુક લેભાગૂ તત્વો દ્રારા તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. આ પ્રકારના બોગસ ડોકટરો દ્રારા માન્ય તબીબી ડિગ્રી કે પ્રેકટીસ કરવાનો પરવાનો ન હોવા છતાં ગામડાંના લોકોને કોરોનાની સારવારના નામે તબીબી સારવાર આપવામાં આવતી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
બાદમાં તબિયત બગડે ત્યારે દર્દીને અન્ય જગ્યાએ મોટી હોસ્પિટલોમાં રીફર કરીને દર્દીના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતાં હોવાની હકીકત રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાના ધ્યાન પર આવી હતી. જેથી તેમણે આ બાબતને ગંભીરતાથી લઇને રાજયમાં આવા બોગસ તબીબો શોધી કાઢવા માટે રાજયભરની પોલીસને આદેશ જારી કર્યેા હતો.