અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરીથી નજીક આવેલા દરિયાપુરના મનપસંદ જીમખાનામાં અત્યારસુધીની સૌથી મોટી જુગારની રેડ કરવામાં આવી હતી જેમાં 180થી વધુ શકુનીઓ ઝડપાયા હતા. આ કેસમાં પોલીસ સામે પણ એટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી-સ્ટાફને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે. જેમાં PI આર.આઈ. જાડેજા, ડી-સ્ટાફ PSI કે. સી. પટેલ અને ડી-સ્ટાફના 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં PCBમાં મહત્વના વહીવટ કરતા 9ની બદલી કરી દેવામાં આવી છે.
આ કેસની વિગત પ્રમાણે, પોલીસ દ્વારા આ રેડ દરમિયાન 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 10.99 લાખ રોકડા, 15 વાહનો, 1 રીક્ષા, 145 મોબાઈલ, 15 ફોર વ્હીલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જીમખાનું એટલા મોટા પાયે ચાલતું હતું કે, ત્યાં 8 મકાન ભાડે રાખીને જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસ ન આવી પહોંચે તે માટે CCTV કેમેરા દ્વારા મોનિટરીંગ પણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ઘમા લાંબા સમયથી આ વિસ્તારમાં ચાલતા જુગારધામને લઈ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. જેને લઈ સમગ્ર મામલે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી છે.