અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કેમ્પસમાં જુગાર રમાતો હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશનના કોટ પાસે અંધારામાં છેલ્લા 8 દિવસથી જુગાર રમતો હોવાની બાતમીને પગલે કરંજ પોલીસે રેડ પાડી તીન પત્તીનો જુગાર રમતા 7 શકુનીઓને ઝડપી પાડ્યા છે.
આ 7 જુગારીઓમાંથી 4 તો કોર્પોરેશનના કર્મચારી હોવાની માહિતી મળી રહી છે જ્યે બીજા આરોપીઓ ત્યાં જુગાર રમવા આવ્યા હતા. પોલીસે રેડ પાડી ત્યાંથી 8 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ આ પ્રકરણમાં પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમગ્ર ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, મ્યુનિ. કોર્પોરેશનની કચેરીના પાર્કિંગના એક ખૂણામાં કેટલાક માણસો થોડા દિવસથી જુગાર રમી રહ્યા હોવાની માહિતી કારંજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ગુરૂવારે ત્યાં રેડ કરી હતી.
આ રેડ દરમિયાન ત્યાંથી જુગાર રમી રહેલા 7 શખ્સોને પોલીસે પકડીને રોકડા 22 હજાર તેમજ 60 હજારની કિંમતના 6 મોબાઈલ ફોન મળીને કુલ 82,00નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા 7 શખ્સોમાંથી 4 કોર્પોરેશનના કર્મચારી છે જ્યારે એક વ્યક્તિ કોર્પોરેશનનો માજી કર્મચારી છે. તેમજ બે ખાનગી માણસો છે. જુગાર રમતા પકડાયેલા શખ્સોને પોલીસ કારંજ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને તેમની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.