Sun. Dec 22nd, 2024

DAHOD-કોમ્પ્યુટર કંપની ઇંટેલ દ્વારા દાહોદ જિલ્લાની પાંચ શાળાઓની પસંદગી કરાઇ, છાત્રો અને શિક્ષકોને આપશે તાલીમ

દાહોદનાં આદિવાસી છાત્રો હવે શીખશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં પાઠ

જાણીતી કોમ્પ્યુટર કંપની ઇંટેલ દ્વારા જિલ્લાની પાંચ શાળાઓની પસંદગી કરાઇ, છાત્રો અને શિક્ષકોને આપશે તાલીમ

તમે એમ માનતા હોય કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અદ્યતન ટેકનોલોજી તો મોટા શહેરોમાં જ શીખી શકાય તો આ એક ભૂલ ભરેલી માન્યતા છે. દાહોદની સરકારી શાળાઓ અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓનાં આદિવાસી વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોડિંગની આંટીઘૂંટીઓ ઉકેલી રહ્યાં છે. વિશ્વની પ્રખ્યાત કમ્પ્યુટર ઉત્પાદક કંપની ઇન્ટેલની મદદથી આ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે.
ઇન્ટેલ ઇંન્ડિયાનાં સંયોજક શ્રી આનંદ દેસાઇ જણાવે છે કે, અત્યારના ડિજિટલ યુગમાં વર્તમાન અને ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્કીલ ધરાવતા લોકોની મોટી માંગ હશે, ત્યારે ઇંન્ટેલ કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં અગ્રણી છે અને વધુમાં વધુ લોકો આં કૌશલ્યમાં મહારત હાંસલ કરે તે માટે વિવિધ કાર્યક્રમો ચલાવી રહી છે. સરકાર અને જનભાગીદારીથી ડિજિટલ સાક્ષરતા દેશનાં દરેક મહાત્વાંકાક્ષી જિલ્લાના વિદ્યાર્થીઓ પણ મેળવે તે માટે ખાસ કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું કે, કંપનીના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી દેશનાં યુવા વિદ્યાર્થીઓ નવા યુગની ટેકનોલોજીને આત્મસાત કરી ડિજિટલ અવેરનેસ મેળવી આ ફિલ્ડમાં સ્કીલ માટેની જરૂરી લાયકાત કેળવે તે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ છે.
આ પ્રોજેક્ટનાં અમલીકરણ માટે જે જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે તેમાં ગુજરાતનો દાહોદ જિલ્લો પણ છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી એ જરૂરી વહીવટી મંજૂરી પણ આપી દીધી છે. અત્યારે જિલ્લામાં આ પ્રોજેક્ટ અંતર્ગત પાંચ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં એમ.વાય. હાઇસ્કુલ, દાહોદ, એસ.આર. સ્કુલ, દેવગઢ બારીયા, પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ, લીમખેડા, શ્રી આઇ.કે. દેસાઇ હાઇસ્કુલ, ફતેપુરા અને જી.એલ. શેઠ હાઇસ્કુલ, સીંગવડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટથી ૧૦૦ શિક્ષકો અને ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વિવિધ આયામોમાં પારંગત કરવામાં આવશે અને આ પ્રોજેક્ટની શરૂઆત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વિશાળ શક્યતાઓ અને તેના મહત્વ સમજાવવાથી શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોગામમાં ધોરણ ૮ થી ૧૨નાં વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે અને તબક્કાવાર સમગ્ર શિક્ષણ આપવામાં આવશે. અત્યારે પાંચ ઓરીએન્ટેશન સેશન પાંચ શાળાઓ માટે નિયત કરવામાં આવ્યા છે જેમાં શાળા દીઠ ૨૦ વિદ્યાર્થીઓને તેમના રસ-રૂચી અને ક્ષમતા પ્રમાણે પસંદ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાલીમ આપવામાં આવી રહી છે.
પસંદ કરવામાં આવેલા વિદ્યાર્થીઓને કોવીડની સ્થિતિને ધ્યાને રાખીને બુટ કેમ્પસ અને ઓનલાઇન સેશન થકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સઘન કૌશલ્ય તાલીમ-શિક્ષણ આપવામાં આવશે. આ શિક્ષણકાર્યનાં તમામ તબક્કાઓમાં ઇન્ટેલનાં સર્ટીફાઇડ નિષ્ણાંત શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. બુટ કેમ્પસ અને ઓનલાઇન સેશન થકી વિદ્યાર્થીઓને રીઇલ ટાઇમ પ્રોજેક્ટ ઘડવામાં પણ સહાય કરવામાં આવશે. પ્રોજેક્ટનાં અંતિમ તબક્કાઓમાં વિદ્યાર્થીઓનેઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં રાષ્ટ્રીય-સ્થાનિક તકો અને સંભાવનાઓ વિશે માહિતગાર કરવામાં આવશે.

 

Related Post

Verified by MonsterInsights