ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ મેઘરાજાની મહેર યથાવત રહી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ,વડોદરા, ખેડા આણંદ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં ભરૂચ નર્મદા અને સુરતમાં બુધવારે ભારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે છોટાઉદેપુરના બોડેલીમાં જાણે પૂર આવ્યું હોય તેવી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
કોતરોના પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા છે. કોતરો પાસે આવેલા વર્ધમાનનગર વિસ્તારમાં રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.લોકોના ઘરોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.
આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં મંગળવારે બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. જેના લીધે રસ્તા પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં હતા. તેમજ જૂનાગઢ શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગિરનાર પર્વત પર વધારે વરસાદથી સોનરખ નદીમાં નવા નીર આવ્યા છે. દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ સોનારખ નદીમાં વધ્યો અને દામોદર કુંડના અદભુત નજારો સામે આવ્યા છે.