રાજકોટથી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે રાજકોટની એક ખાનગી સ્કૂલનો વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવે છે.
માહિતી પ્રમાણે આ વિડીયો નાનામવા રોડ પર આવેલી ગાંધી સ્કૂલનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ વિડીયો વાયરલ થતા અને લોકોની પ્રતિક્રિયાઓ આવતા જ DEO દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
આ બાબતે NSUI પણ વિરોધ કરતી જોવા મળી અને તેમના દ્વારા શિક્ષક સામે પગલા લેવાની માગ કરવામાં આવી. શિક્ષક જ્યારે વિદ્યાર્થીને મારતા હતા ત્યારે કલાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીએ આ વીડિયો ઉતાર્યો હોવાનું માલુમ પડ્યું છે.
જાહેર છે કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને કઠોર સજા આપવા અને માર મારવાના કારણે વિદ્યાર્થીના માનસ પર ખરાબ અસર પડતી હોય છે. શાળામાં આવા બનાવો અટકે તેને લઈને NSUI એ શિક્ષક સામે પગલા લેવાની માગ કરી છે.