અમરેલી:સાવરકુંડલાના દાધિયા ગામે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે જ વલ્લભીપુર પંથકની એક મહિલાને પુત્ર પ્રાપ્તિની વિધિના બહાને કબીર આશ્રમના સંતે મધરાતે અવાવરૂ જગ્યાએ વૃક્ષ નીચે બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના બહાર આવતાં ચકચાર મચી છે. આ ઘટના બાદ પરિણીતાએ તો ફરિયાદ કરી ન હતી, પરંતુ ખુદ કહેવાતા ગુરુ અમરદાસે પોતાના સોશિયલ મીડિયાના એકાન્ટમાથી આ મહિલાને મારી ભૂલ છે, બને તો માફ કરી દેજો. મમ્મી-પપ્પાને ના કહેતા એવો મેસેજ કર્યો હતો, જે મહિલાના પતિએ જોતાં તેણે પૂછપરછ કરી તો મહિલાએ સઘળી હકીકત કહી દીધી હતી.
વલ્લભીપુર પંથકની 29 વર્ષીય મહિલાને સંતાનમાં માત્ર એક પુત્રી હોઈ અને સમગ્ર પરિવારને પુત્ર પ્રાપ્તિની ઇચ્છા હોવાથી કબીર આશ્રમના સંત પાસે વિધિ કરાવવાનો નિર્ણય કર્યો, પરંતુ લેભાગુ સંતે આ પરિણીતાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ મહિલાનો પરિવાર સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામે આવેલ કબીર આશ્રમમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને આશ્રમના સંત અમરદાસ સાહેબ ઉર્ફે અમરસંગ ખોડા પરમારને ગુરુ માને છે.આ મહિલા ગત તારીખ 18/7ના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે પુત્ર પ્રાપ્તિની વિધિ કરાવવા માટે આ કબીર આશ્રમમા ગઈ હતી.
એ દિવસે આશ્રમમાં 50 જેટલા ભકતો હતા અને બધાયે આખો દિવસ ગુરુની સેવા-પૂજા કરી હતી. અમરદાસે આ મહિલાને કહ્યું હતું, રાત્રે 12 વાગ્યે આશ્રમના કમ્પાઉન્ડ પાસે ઝાડ નીચે આવજે, ત્યાં હું તને વિધિ કરી આપીશ. મહિલાને એકલી જ ત્યાં આવવા કહ્યું હતું. મધરાતે આ મહિલા ત્યાં જતાં અમરદાસે થોડી વિધિ કરી મહિલાને ખાવા માટે સફરજન આપ્યું હતું, જે ખાધા બાદ તે અર્ધબેભાન અવસ્થામાં આવી ગઈ હતી અને ત્યાર બાદ અમરદાસે તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
એકાદ કલાક બાદ મહિલા ભાનમા આવતાં બંને પોતપોતાના રૂમમા જતાં રહ્યાં હતાં. મહિલાએ આ અંગે સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું છે કે મેં ઘરમા કોઇને વાત કરી ન હતી, પરંતુ તેના પતિ અન્ય રાજ્યમાં નોકરી કરતા હોઈ, પરત આવ્યા બાદ તેમને વાત કરતાં હવે અન્ય કોઈ સ્ત્રી ભોગ ન બને એ માટે ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો. જે મહિલાને પુત્ર ન હોય તેને આ શખસ પુત્રનો પરવાનો બનાવી આપતો હતો.