સુરત: વરાછામાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. વરાછાની અનુરાધા સોસાયટીમાં એક મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. મકાનની ગેલરીમાંથી 55 વર્ષીય મહિલા સીધી મકાન આગળ રોડ પર પટકાઈ હતી, જેથી ઘટનાસ્થળે જ મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના મોતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. મહિલાના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, સાથે જ મૃતકના પરિવાર તરફથી બધાને કહેવામાં આવ્યું છે કે સફાઈ કરતી વખતે ખોટી ઉતાવળ ન કરતાં સાવધાની દાખવવી જોઈએ
માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી
મૂળ ભાવનગરના ગારિયાધારના સાતડા ગામના વતની અને હાલ સુરતમાં રહેતાં 55 વર્ષીય લલિતાબેન જોગાણી ત્રીજા માળેથી નીચે પટકાયાં હતાં. લલિતાબેન પોતાના ઘરની સાફસફાઈનું કામ કરી રહ્યાં હતાં. સાફસફાઈ કરતી વેળાએ તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયાં હતાં. તેઓ જ્યારે નીચે પડ્યા ત્યારે બાઈક પર એક યુવક નીચે ઊભો હતો. ત્રણ સેકન્ડમાં જ લલિતાબેન નીચે અચાનક પડતાં નીચે ઊભો યુવક પણ ચોંકી ગયો હતો. બાદમાં તમામે તેમને ઊંચક્યાં હતાં. જોકે તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમનું મોત થયું હતું.
સ્થાનિકોએ બૂમાબૂમ કરી મૂકી
લલિતાબેન ત્રીજા માળેથી નીચે પડતાંની સાથે જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. પહેલા માળે ઊભેલી યુવતીએ તેમને નીચે પડતાં જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી, જેને કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. યુવાને લલિતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં, પરંતુ માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને મૃત જાહેર કરયા હતા. બનેલી ઘટનાથી જોગાણી પરિવાર પણ સ્તબ્ધ થઇ ગયો હતો, સાથે જ અનુરાધા સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.