અમદાવાદ:સાબરમતી સેન્ટ્રલ જેલમાં મહિલા વોર્ડમાં લેડી ડોન અને અન્ય મહિલા કેદી વચ્ચે પ્રેમપ્રકરણ ચાલતું હોવાનું તેમજ આ પ્રેમીજોડા દ્વારા જાહેરમાં થતા લેસ્બિયન સબંધોથી અન્ય મહિલા કેદીઓ પરેશાન હોવાના લેટરથી ખળભળાટ મચ્યો છે. આ લેટરમાં લેડીડોનની દાદાગીરી, ધાકધમકીથી અન્ય મહિલા કેદીઓ પરેશાન હોવાની વિગતોનો ઉલ્લેખ છે.
મહિલા કેદીઓની કુપન અને નાસ્તા પણ આ લેડી ડોન પડાવી લેતી હોવાનું તેમજ મહિલા વોર્ડમાં મોબાઈલ ફોનના કોલ દીઠ રૂ.50, તમાકુના પેકેટના રૂ.500 અને સિગારેટના રૂ.100 લઈ ગેરકાયદેસર વેપાર કરતી હોવાની વિગતો પત્રમાં છે.
લેડી ડોન પર આક્ષેપો કરતો પત્ર જેલના ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યો હોવાથી તેઓએ આ મામલે ઈન્કવાયરી શરૂ કરી છે. જો કે, સાબરમતી જેલના મહિલા વિભાગમાં સ્ટ્રોંગ જામર હોવાથી મોબાઈલ ફોન રાખી કોલ કરવાનું નેટવર્ક શક્ય ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓને લેડી ડોન પર આક્ષેપો કરતો આ પત્ર મળતા ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, જેલમાં સ્ટ્રોંગ જામર છે જેથી કોઇ કેદી પાસે મોબાઇલ હોય તે વાત શક્ય ન હોય શકે, જોકે,આ અંગે પણ તપાસ ચાલી રહી છે.
આ અંગે સાબરમતી સેન્ટ્રલ જેલના એસપી રોહન આનંદે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના આક્ષેપો કરતો પત્ર અમને મળ્યો છે. જે પત્રની ખરાઈ અને તેમાં થયેલા આક્ષેપો બાબતે અમે ઈન્કવાયરી શરૂ કરી છે. મહિલા વિભાગમાં કેદી માટે મોબાઈલ વાપરવો અશક્ય બાબત છે. આ વિભાગમાં જામર એટલા સ્ટ્રોંગ છે કે, ત્યાંથી ફોન ઓપરેટ થઈ શકે તેમ નથી. મોબાઈલ ફોન કોઈ મહિલા કેદી પાસે હોય તે વાત માનવામાં આવે તેવી નથી.
લેડી ડોન સામે પત્રમાં આક્ષેપોની વણજાર લખવામાં આવી છે. તેમાં એવી પણ ચોંકાવનારી બાબત છે કે, લેડી ડોનથી જેલના અધિકારીઓ પણ ડરે છે, તે અધિકારીઓને ખુલ્લેઆમ બદલી કરાવી દેવાની ધમકી પમ આપે છે. લેડી ડોન તેનું કામ ધાકધમકીથી અન્ય મહિલા કેદી પાસે કરાવીને પગાર પોતે લઈ લે છે. તેણે અગાઉ રસોડામાં મુકવામાં આવી ત્યારે વીશીમાંથી સામાનની ચોરી કરી હતી. તે મહિલા કેદીઓ સાથે લડાઈ કરતી તેમજ વારંવાર કોઈની સાથે તકરાર થાય તો રસોડામાંથી ચપ્પુ લઈ મારવાની ધમકી આપતી હતી. આ અંગેની ફરિયાદ થતા અધિકારીઓએ લેડી ડોનને સફાઈ કામ માટે મૂકી હતી. આ જગ્યાએ પણ કામ કર્યા વગર તે પોતાનો પગાર અધિકારીઓને ધમકી આપી ભરાવે છે.