Fri. Oct 18th, 2024

મેયરના આદેશ બાદ રાજકોટમાં જાહેર માર્ગો પર નોન-વેજના હાટડા થયા બંધ

રાજકોટના જાહેર માર્ગો પરથી ઈંડા અને નોન વેજની લારીઓ હટાવાઈ હતી. રાજકોટના મેયર પ્રદીપ ડવના આદેશ બાદ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી. રાજકોટના મેયરે આદેશ કર્યો છે કે મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ અને જાહેર સ્થળો પર ઈંડા કે નોનવેજ ખાદ્યપદાર્થ વેચી નહીં શકાય.. જેને લઈ શહેરના ફૂલછાબ ચોક, શાસ્ત્રી મેદાન સહિતના વિસ્તારમાંથી લારીઓ દૂર કરાઈ હતી. તમામને હોકર્સ ઝોનમાં લારીઓ ઉભી રાખવા આદેશ અપાયા હતા.

રાજકોટના સદર વિસ્તારમાં સાંજના સમયે નાયબ કમિશનર એ.આર. સિંઘ દબાણ હટાવ શાખાના સ્ટાફ સાથે રેડમાં નીકળ્યા હતા અને મુખ્ય માર્ગ પર ઊભેલી તમામ નોનવેજની ગેરકાયદે ધમધમતી લારીઓ બંધ કરાવી હતી તેમજ 4 રેંકડીઓ જપ્ત કરી હતી. નાયબ કમિશનરે કહ્યું હતું કે, આ તમામને અગાઉ સૂચના અપાઈ હતી કે મુખ્ય માર્ગ પર આ રીતે વેચી શકાશે નહિ આમ છતાં અમુક તત્ત્વોએ રોડ પર લારીઓ રાખતા કાર્યવાહી કરાઈ છે.

નોનવેજની લારીઓ દૂર કરવા માટે 10 દિવસ પહેલા જ પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠકમાં મેયર પ્રદીપ ડવે સ્પષ્ટ સૂચના આપી હતી કે, જાહેર માર્ગ, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ પાસે નોનવેજના હાટડા બંધ કરવાની કાર્યવાહી કરવી. આ અંગે મેયરે જણાવ્યું હતું કે, ઘણા શહેરીજનોની ફરિયાદ આવી હતી કે જાહેરમાં માંસ-મટન વેચાતા હોવાથી માર્ગો પરથી નીકળી શકાતું નથી. તહેવાર પહેલા જ બધા રેંકડીધારકોને સૂચના આપી દેવાઈ હતી. જે લોકોને ધંધો કરવો છે તેઓ મુખ્ય માર્ગ રહેણાક વિસ્તારથી દૂર ઔદ્યોગિક વિસ્તારોમાં કરી શકશે જેથી કોઇને નડતરરૂપ બને નહીં. પણ, મેઈન રોડ, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ પાસે તેમજ રહેણાક વિસ્તારોમાં કોઇ કાળે ગેરકાયદે નોનવેજના હાટડા ચલાવી લેવાશે નહીં.

શહેરના તમામ વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરાશે

મેયરે જણાવ્યું હતું કે, શહેરમાં તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં શહેરીજનોની ફરિયાદ છે ત્યાં તમામ માર્ગો પર ઝુંબેશ હાથ ધરીને ગેરકાયદે ઊભી રહેતી રેંકડીઓ દૂર કરાશે. તેઓ જ્યાં પણ ધંધો કરશે ત્યાં સ્વચ્છતાનું પણ પાલન કરવાનું રહેશે આ માટે અલગથી ડસ્ટબિન પણ રાખવાની રહેશે.

Related Post

Verified by MonsterInsights