Sun. Sep 8th, 2024

“મૌસમને લી અંગડાઈ” : અમદાવાદના પૂર્વમાં વરસાદી ઝાપટું, 20 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ચાર દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. જેને લઈ આજે સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટું પડ્યું હતું. કમોસમી વરસાદ પડવાના લીધે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.

વરસાદના કારણે ધીરે ધીરે ઠંડી પણ વધી રહી છે. આ ઉપરાંત આજે સવારે મહેસાણા, શામળાજી સહિતના ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.

 

 

દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. નલિયા 10.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. બીજી તરફ વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી ચાર દિવસ 40 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ રાજ્યમાં 18થી 20 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે. રાજ્યમાં માવઠાની આગાહીને પગલે શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે.

 

હવામાન ખાતાએ માવઠાની આગાહી કરતા જણાવ્યું છે કે, તા.18ના રોજ ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તા.19ના રોજ દમણ, દાદરા નગર હવેલી, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમજ તા.20ના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સમયે પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક પહોંચી શકે છે.

 

રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે.જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો છે.ઠંડા પવનને કારણે લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. હાલમાં ઉત્તર-પૂર્વીય દિશાનો પવન જમીની સ્તરથી ફૂંકાઈ રહ્યો છે. હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ચારથી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. મતલબ ઠંડી ઘટશે. જો કે હજુ પણ શહેરમાં મોડી રાત્રે અને પરોઢિયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવવા મળે છે. પાટનગર ગાંધીનગરના લોકો પણ ઠંડીની તીવ્રતા અનુભવી રહ્યાં છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું હતું.

Related Post

Verified by MonsterInsights