Fri. Oct 18th, 2024

નવસારીમાં 2 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, જાણો 7 દિવસમાં કેટલા બાળકો થયા સંક્રમિત

financialexpress.com

રાજ્યમાં દિવાળી પછી ધોરણ 1થી 12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થઇ ગયું છે. તો શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચાલકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાની વેક્સીન પણ બાળકો માટે આવી નથી. એટલે કે 18 વર્ષથી નીચેની ઉંમરના તમામ યુવાનો અને બાળકો વેક્સીનથી વંચિત છે. તેવામાં તેમના પર કોરોનાનું જોખમ વધારે છે. તો બીજી તરફ હવે શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ કોરોના સંક્રમિત આવી રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લામાં બે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી સામે આવી છે.

રિપોર્ટ અનુસાર, નવસારી જિલ્લાની મલીયાધાર અને વાંકલ શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેથી આ બંને વિદ્યાર્થીની સારવાર પણ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા આ વિદ્યાર્થીનીઓના સંપર્કમાં આવેલા તમામ વિદ્યાર્થીઓનો કોરોનાનો ટેસ્ટ કરવાની તજવીજ શરૂ કરી છે. ચિંતાનો વિષય એ છે કે, નવસારી જિલ્લામાં એક અઠવાડિયાના સમયમાં 5 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. તેથી હવે શિક્ષકો અને વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે.

નવસારી ઉપરાંત રાજ્યમાં અલગ-અલગ જગ્યા પર વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળ્યા હોવાના કિસ્સાઓ સામે આવે છે. સુરતમાં પણ બે શાળાના વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવતા બંધ કરવામાં આવી છે. સુરતની રીવરડેલ શાળાને ક્લસ્ટર જાહેર કરવામાં આવી છે. એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા શાળાને બંધ કરવામાં આવી છે. શાળાના તંત્ર દ્વારા વિદ્યાર્થી કોરોના સંક્રમિત આવ્યો હોવાની વાતને નકારી હતી. સુરત મહાનગરપાલિકાએ રીવરડેલ શાળાને 7 દિવસ બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પણ શાળાના સંચાલકોએ શાળાની બહાર બોર્ડ લગાવ્યું હતું કે, શાળામાં અભ્યાસ કરતો એક પણ વિદ્યાર્થી સંક્રમિત નથી. શાળા બંધ હોવાની વાત ખોટી છે. આ માહિતી મળતા SMCની ટીમ તાત્કાલિક શાળાએ પહોંચી હતી અને ત્યારબાદ આ શાળાને બંધ કરાવવામાં આવી હતી.

આ ઉપરાંત, સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સંસ્કાર ભારતી શાળામાં એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો હોવાની માહિતી સામે આવી રહી છે. વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા શાળાને 7 દિવસ માટે બંધ કરવામાં આવી છે. તો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાળામાં અભ્યાસ કરતા અન્ય 120 વિદ્યાર્થીઓનો પણ કોરોના ટેસ્ટ કર્યો હતો. આ તમામનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. શાળાઓમાં ધીરે-ધીરે કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્યતંત્રની ચિંતામાં વધારો થયો છે.

Related Post

Verified by MonsterInsights