Sun. Sep 8th, 2024

ગુજરાતમાં ગેંગવોરઃ માથાભારે દિપક બારૈયાની સુરતના કાપોદ્રામાં હત્યા, 4ની ધરપકડ

khabarchhe.com

ગુજરાતમાં નાની-નાની વાતને થયેલા ઝઘડામાં હત્યા જેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવકની પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં હત્યા થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેમને અગાઉ જમીન બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં આ યુવકની હત્યા કરી નાંખી હતી. જેની હત્યા થઇ હતી પણ માથાભારે ઇસમ હતો અને તેનું નામ દિપક બારૈયા હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટ અનુસાર સુરતના પૂણાગામ વિસ્તારમાં આવેલા કારગીલ ચોકમાં દિપક બારૈયા નામનો યુવક રહેતો હતો. આ દિપક બારૈયા માથાભારેની છાપ ધરાવતો હતો. દિપકને કાપોદ્રા વિસ્તારમાં રહેતા રઘુ ભરવાડ નામના વ્યક્તિની સાથે માથાકૂટ થઇ હતી. બંને વચ્ચે જૂના ઝઘડાને લઇને અદાવત ચાલી રહી હતી. દિપક તેના મિત્રોની સાથે બુધવારે રાત્રે 10:30 વાગ્યાના સમયે સ્નેહમુદ્રા સોસાયટી નજીક પાર્કિંગ પાસે બેઠો હતો તે સમયે પાંચ જેટલા ઇસમોએ દિપક પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં દીપકને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પણ હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા કાપોદ્ર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા દિપક બારૈયાની હત્યા મામલે રઘુ ભરવાડ, રામ માલકીયા, રાજુ સફાદરા અને ભરત જોગરાણા નામના ચાર ઇસમોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, દિપક બારૈયા પર અનેક ગુનાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, દિપક બારૈયા અનેક જમીનોમાં વિવાદ ઉભો કરીને સમાધાન કરવા અને ખંડણી માગવાના ગુનામાં સંડોવાયેલો છે.

આ ઘટનાને લઇને મૃતક દિપક બારૈયાના ભાઈ ભાવેશ બારૈયાએ કહ્યું હતું કે, પાલિકાના શૌચાલયની સામે પાર્કિંગ બાબતે દિપકનો ઝઘડો થયો હતો. આ અદાવતમાં રઘુ ભરવાડ અને તેના સાગરીતોએ દિપક પર હુમલો કર્યો હતો. આ ઇસમોએ દિપકની સાથે મયુર અને અનીલને પણ માર માર્યો હતો. દિપકને ચાર ભાઈ અને એક બહેન છે. હુમલાખોરો દિપક પર ચપ્પુ, તલવાર અને લાકડાના ફટકા જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો.  આ ઘટનામાં દીપકને હાથ, માથા અને છાતીના ભાગે ઈજાઓ થઇ હતી. હુમલાની ઘટના બાદ દીપકે પહેરેલી 6 વીંટી, 200 ગ્રામની સોનાની ચેઈન અને અન્ય 4 ચેઈન પણ ગુમ થઇ ગઈ હતી. આ બાબતનો પણ પોલીસે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

Related Post

Verified by MonsterInsights