Sun. Sep 8th, 2024

અનોખો વિરોધઃ સિનિયર સિટીઝને ખાડાની પૂજા કરીને રામધૂન બોલાવી, મનપાના દાવા પોકળ

bhaskar.com

રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપના શાસકો તરફથી વિકાસની મસમોટી વાત વચ્ચે હકીકત સાવ જુદી છે. રાજકોટ શહેરના વોર્ડ નં.11માં એક સિનિયર સિટીઝને અનોખી રીતે રસ્તા પર પડેલા ખાડાનો વિરોધ કર્યો છે. વોર્ડ નં.11માં રહેતા લોકો પાયાની સુવિધાથી વંચિત છે. ખાસ તો અંબિકા ટાઉનશીપ સહિતને 12 જેટલી સોસાયટીઓના રહેવાસીઓએ મહાનગર પાલિકાની ઢીલી નીતિ ઉઘાડી પાડી દીધી છે.

એવામાં એક સિનિયર સિટીઝને રસ્તા પર પડેલા ખાડાનું પૂજન કરીને રસ્તા વચ્ચે રાજધૂન બોલાવી હતી. 80 ફૂટના રોડ પર ખાડાની ખાસ પૂજા કરવામાં આવી. પછી દાદાએ રસ્તા વચ્ચે રામધૂન શરૂ કરી દીધી હતી. રાજકોટ શહેરના વોર્ડ નં.11માં આવેલા જીવરાજ પાર્કના રહીશ કાંતિભાઈ ભૂતે એક અનોખી રીતે રસ્તામાં પડેલા ખાડાનો વિરોધ કર્યો છે.

કાંતિભાઈએ કહ્યું હતું કે, હું અહીંના ખાડાને ભગવાન માનીને વિનંતી અને પ્રાર્થના કરી રહ્યો છું. હે ખાડાદેવ કોઈનો ભોગ ન લેશો. વોર્ડ નં.11ના કોર્પોરેટર તથા અધિકારીઓને સદ્ બુદ્ધિ આપજો. ખાડાની પૂજા કરીને ટંકોરી વગાડું છું. પછી રામધૂન બોલાવી હતી.આમ સ્થાનિકોએ તંત્રની આંખ ઉઘાડવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, આવો વિરોધ કરતા દાદાની સાથે આસપાસના અન્ય લોકો પણ જોડાયા હતા.

રાજકોટ શહેરના સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે 80 ફૂટના રિંગ રોડ પર બંને બાજુ આર્યલેન્ડ સોસાયટી, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ, બસેરા હાઈટ્સ, શ્યામ સ્કાયલાઈફ સહિતની 12 જેટલી સોસાયટીઓ આવેલી છે. મહાનગર પાલિકા વેસ્ટઝોન તરફથી પાયાની સગવડ જેવી કે, પાણી, ગટર, લાઈટ જેવી કોઈ સુવિધા ત્રણ વર્ષ પૂરા થયા છતાં પણ અપાતી નથી. જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગાવવાનો વારો આવ્યો છે.

આ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝને એવું પણ જણાવ્યું હતું કે, જીવરાજ પાર્ક સહિતની અનેક સોસાયટીઓ આ રોડ સાથે સીધી રીતે જોડાયેલી છે. વિસ્તારમાં 5000થી વધારે રહીશો રહે છે. મહાનગર પાલિકાના દરેક કરવેરા ભરે છે. તેમ છતાં હજુ સુધી કોઈ પાયાની સુવિધા મળી નથી. જ્યારે ચાર-ચાર કોર્પોરેટરને ફરિયાદ કરવા જઈએ તો એને ગમતું નથી. જ્યારે મહાનગર પાલિકાની ઈજનેરની ટીમે માત્ર ખાડામાં ધૂળ-રેતી નાંખીને સંતોષ માની લીધો છે. ચોમાસુ સીઝનમાં રસ્તાઓ ધોવાઈ જાય છે. રસ્તા પર પાણી ભરાઈ જાય છે. અમે કોઈ સોના કે ચાંદીનો રોડ નથી માગ્યો. સિમેન્ટ માટેની પણ માંગ નથી કરી. એક જ માંગ છે કે, અહીં આખા વિસ્તારમાં ડામર રોડ વ્યવસ્થિત કરી આપો.

Related Post

Verified by MonsterInsights