Mon. Dec 23rd, 2024

કોરોનાથી સાવધાન, બૂસ્ટર ડોઝ લીધા બાદ પણ જામનગરના કલેક્ટર સંક્રમિત થયા

twitter.com/hakubhajamnagar

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. હાલ જે દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે તેમાંથી મોટાભાગના લોકોએ કોરોના વેક્સીનના બે ડોઝ લીધા છે. વેક્સીનેશન થયા બાદ પણ લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસને લઇને રાજ્ય સરકાર દ્વારા પણ લોકોને માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવાનું સલાહ આપવામાં આવે છે. તો વૃદ્ધ લોકો માટે સરકાર દ્વારા બુસ્ટર ડોઝની પણ શરૂઆત કરી છે. જેથી લોકો કોરોનાથી સુરક્ષિત રહી શકે. પણ બુસ્ટર ડોઝ લીધા બાદ પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ શકે છે. એટલે કે કોરોના વેક્સીનના ત્રણ ડોઝ લીધા પછી પણ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગી શકે છે. આવો જ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે. જ્યાં ત્રીજો ડોઝ લીધાના થોડા દિવસ બાદ જ જિલ્લા કલેક્ટર કોરોના સંક્રમિત થયા છે.

રિપોર્ટ અનુસાર રાજ્યમાં લોકોને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થતા જ જામનગર જિલ્લાના કલેકટર સૌરભ પારઘીએ કોરોના વેક્સીનનો બુસ્ટર ડોઝ લીધો હતો. બુસ્ટર ડોઝ લીધાના થોડા દિવસ બાદ તેમને કોરોનાના લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલે આ કિસ્સા પરથી કહી શકાય કે કોરોનાનો બુસ્ટર ડોઝ લીધો હોવા છતાં પણ વ્યક્તિએ કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું જોઈએ. જેથી તેઓ કોરોનાથી સુરક્ષિત રહી શકે. જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ 10 જાન્યુઆરીના રોજ બુસ્ટર ડોઝ વેક્સીનેશનનો પ્રારંભ કરાવ્યો હતો અને તેમને બુસ્ટર ડોઝ જામનગરની જી.જી. હોસ્પિટલમાં લીધો હતો. હાલ તો કોરોના સંક્રમિત હોવાથી તેઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

મહત્ત્વની વાત છે કે, રાજ્યમાં સૌથી પહેલો ઓમીક્રોનનો કેસ જામનગરમાંથી નોંધાયો હતો. ત્યારબાદ હવે રાજ્યમાં કોરોનાના કેસ વધતા જામનગરમાં પણ એક્ટીવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જામનગરમાં હાલ 800 એક્ટીવ કેસ છે અને ઓમીક્રોનના 5 કેસ અત્યાર સુધીમાં જામનગરમાં નોંધાઈ ચૂક્યા છે. કોરોનાના કેસમાં વધારો થતા જામનગર મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગની પ્રકિયા પણ ઝડપી કરવામાં આવી છે. એક અઠવાડિયાના સમયમાં જ જામનગરમાં કોરોનાના કેસ સિંગલ ડીઝીટમાંથી ત્રિપલ ડીઝીટમાં ફેરવાયો છે.

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ પ્રતિદિન 100થી 150 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. કેસ વધતા આરોગ્ય વિભાગમાં હરકતમાં આવ્યો છે. જામનગરમાં શાકભાજીવાળા, પાથરણાવાળા અને સરકારી અધિકારીઓનો પણ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી પણ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે. તેઓ કોરોનાલક્ષી એક બેઠકમાં હાજરી આપવા ગયા હતા અને ત્યારબાદ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Related Post

Verified by MonsterInsights