ગુજરાત સહિત દેશભરમાં ફરી કોરોના કેસો સતત વધી રહ્યા છે જેના પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સિરીઝ માટેના સ્થળોમાં ફેરફારની જાહેરાત કરી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ત્રણ વનડે અને ટી20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી માટે ભારત આવી રહી છે. અગાઉ છ સ્થળોએ મેચો યોજાવાની હતી, જે હવે ઘટાડીને બે સ્થળો પર રાખવામાં આવી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવે ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાશે. જ્યારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ત્રણ T20 મેચો યોજાશે. મેચોને બે સ્થળો સુધી મર્યાદિત કરવાનો નિર્ણય ટીમો, મેચ અધિકારીઓ, બ્રોડકાસ્ટર્સ અને અન્ય હિસ્સેદારોની મુસાફરી અને હિલચાલ પર ઘટાડો કરીને બાયોસિક્યોરિટી જોખમોને ઘટાડવા માટે લેવામાં આવ્યો છે.
આ અંગે BCCIની ટૂર અને ફિક્સચર કમિટિએ બુધવારે એક બેઠક કરી હતી. જેમાં વનડે અને T20 સિરીઝ માટે અલગ-અલગ 6 સ્થળે ફરવાને બદલે માત્ર 2 શહેરના ગ્રાઉન્ડને જ આનું આયોજન સોંપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. તેવામાં બોર્ડને પણ આ પ્લાન-B પસંદ આવતા આજે શનિવારે અમદાવાદ અને કોલકાતામાં જ સિરીઝનું આયોજન થશે એ અંગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આના કારણે ટીમે વિવિધ શહેરોમાં પ્રવાસ કરવાની જરૂર નહીં રહે અને ટીમો ચુસ્ત પ્રોટોકોલ સાથે માત્ર 2 ગ્રાઉન્ડ પર જ બંને સિરીઝ રમતી જોવા મળશે.
વેસ્ટ ઈન્ડિઝ ટૂર ઈન્ડિયા
6 ફેબ્રુઆરી, પહેલી વનડે – અમદાવાદ
9 ફેબ્રુઆરી, બીજી વનડે – અમદાવાદ
11 ફેબ્રુઆરી, ત્રીજી વનડે – અમદાવાદ
16 ફેબ્રુઆરી, પહેલી T20- કોલકાતા
18 ફેબ્રુઆરી, બીજી T20- કોલકાતા
20 ફેબ્રુઆરી, ત્રીજી T20- કોલકાતા