અમદાવાદ: રાજ્યના પૂર્વ નાયબ વડાપ્રધાન નીતિન પટેલે કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરવા દરમિયાન ગુજરાતી પરિવારના 4 લોકોના મોત અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અહીં આપણા છોકરાઓને તક નથી મળતી એટલે તેઓ અમેરિકામાં ગેરકાયદે ઘુસે છે. અમદાવાદ ખાતે સરદારધામમાં નવનિર્મિત ઈ-લાઈબ્રેરીનું અને વિદ્યાર્થી દત્તક યોજના નામકરણનો ઉદ્ઘાટન સમારંભમાં બોલતા નીતિન પટેલે આ મુજબ કહ્યું હતું.નીતિન પટેલે કહ્યું કે, ભારતમાં યુવાનોને તક ઉપલબ્ધ થતી નથી. અહીં તક મળતી ન હોવાથી લોકો વિદેશમાં જવા માંગે છે. અહી ભવિષ્ય ઉજ્જવળ નથી થતું. મહેનત કરવા છતા સારી પોઝિશન મળતી નથી. જેથી સરકાર એવી તક ઉભી કરે કે વિદેશ જવાનો મોહ ઓછો થાય.
તેમણ કહ્યું હતું કે, અમેરિકા જેવા દેશમા જવા લાખો લોકો પ્રયાસ કરે છે. મોટા પ્રમાણમાં લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જાય છે. શા માટે જાય છે? અહીં તક નથી. અહીં મહેનત કર્યાં પછી પણ સ્થાન મળતું નથી એટલે મોટી રકમનો ખર્ચ કરીને કેટલાય જોખમો લઈને અમેરિકા જતા હોય. ત્યાં કોઈ ચિંતા નથી. ખાલી આ બોર્ડર ક્રોસ કરવાની જ ચિંતા છે.
નીતિન પટેલે કહ્યું કે, ‘બીજું બધું નહીં બોલું અહીં મીડિયા છે. પાટીદાર સમાજના ચાર ભાઈ-બહેન માઇનસ 40 ડિગ્રીમાં કેનેડા બોર્ડર પર ઠુંઠવાઈ ગયા. આ કરૂણ બનાવ કેમ બન્યો? અહીં તકો ઉપલબ્ધ થતી નથી. ભવિષ્ય ઉજ્જવળ થતું નથી, મહેનત કરવા છતાં, અભ્યાસ કરવા છતાં કોઈ સારી પોઝિશન પ્રાપ્ત થતી નથી એટલે આ બધો સંઘર્ષ કરવો પડે છે. આવી દુઃખદ ઘટના ન બને તે માટે આગોતરી વ્યવસ્થા કરવી જોઈએ.’