(અહેવાલ: પંકજ જોષી કચ્છ) એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, વિદ્યાર્થીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. પરિણામે ઓનલાઇન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. પરંતુ આવનારા નજીકના દિવસોમાં શાળાના વર્ગો ઓફલાઇન શરુ કરવાની માગ કરવામાં આવી છે. આ
અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર નિર્ણય લેશે. કોરોનાને કારણે શિક્ષણમાં ઘણુ નુકસાન થયું છે પરંતુ બાળકોની સુરક્ષા મુદ્દે કોઇ સમાધાન નહી કરવામાં આવે. મહત્વનુ છે કે રાજકોટ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જીતુવાઘાણી હાજર રહ્યા હતા તે સમયે તેમણે શાળા અંગે આ નિવેદન આપ્યુ હતું. શિક્ષણમંત્રીએ આ અંગે જણાવ્યુ હતુ કે વાલીઓની જેમ સરકાર પણ સંવેદનશીલ છે.
કોરોનાને લીધે શિક્ષણમાં ઘણુ નુકસાન ગયુ છે. સરકાર કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહી છે. જ્યારે પણ સરકાર નિર્ણય લેશે ત્યારે કોરોનાની સ્થિતિ અને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને જ નિર્ણય લેશે. કોરોનાને લીધે શિક્ષણમાં નુકસાન થયું છે તો સાથે બાળકોની ચિંતા કરવી પણ જરૂરી છે. કોરોનાકાળમાં પણ શાળાની ફી વધારા મુદ્દે જીતુવાઘાણીએ કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
તેઓએ ગોળ ગોળ વાત કરતા જણાવ્યુ હતુ કે હાઈકોર્ટની સૂચના મુજબ FRC સ્વતંત્ર બની છે. FRC હાઇકોર્ટે નીમેલી કમિટી છે,સરકારને એની સાથે કોઇ નિસબત નથી. ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 1થી ધોરણ 9ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવા સ્કૂલ સંચાલક મંડળે માગ કરી છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટડો થતા સ્કૂલ સંચાલક મંડળે
શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી કે 1 ફેબ્રુઆરીથી સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવામાં આવે કારણ કે ઓનલાઈન શિક્ષણમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. રાજ્ય સરકારે આ અંગે પરિસ્થિતીની સમીક્ષા કરીને નિર્ણય લેવાનું સંચાલક મંડલ જણાવ્યું હોવાનો સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે તે પહેલા સમય એવો હતો કે કોરોનાના કેસ 25 હજાર સુધી પહોંચી ગયા હતા. કોરોનાના કેસ ઘટતા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા સોમવારે શિક્ષણમંત્રીને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતમાં બીજી લહેર જેવી હાલમાં સ્થિતિ નથી.
કોરોનાના કેસ ઘટી રહ્યા છે જેથી શાળાઓ ફરી ઓફલાઇન શરુ કરવામાં આવે . જો કે આ રજૂઆતને પગલે સરકારે કોઇ સ્પષ્ટ નિર્ણય તો જાહેર કર્યો નથી પરંતુ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને રાખીને અને શિક્ષણ પણ ન બગડે તે પ્રકારે સરકાર આગામી સમયમાં કોઇ નિર્ણય લઇ શકે છે .