સુરત મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આજે સુરત મનપાનું 2022-23 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કમિશનર દ્વારા 6970 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસના કામો માટે 3183 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં મેટ્રો ના કામ પર વધુ ભાર મૂકાયો છે.
બજેટ રજૂ કરતા કમિશનરે જણાવ્યું હતું કે સુરત એ સૌથી ઝડપી ડેવલપિંગ સીટી છે. જેથી વૈશ્વિક દરજ્જાની સ્માર્ટ સીટી બનાવવાનો સંકલ્પ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. કોરોના સામે બે વર્ષ ઝઝૂમવાની સાથે આ બજેટ રજૂ હોય તેની અસર બજેટ પર જોવા મળી હતી. નવા કોઈ પ્રોજેકટ ને બાદ રાખીને જુના પ્રોજેકટ અને જોગવાઈને પૂર્ણ કરવા પર અને માળખાગત સુવિધાઓ પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.
આ વર્ષે નવા સીમાંકન બાદ નવા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ માટે ફાળવણી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં વધતા પ્રદુષણને લઈને એર ક્વોલિટી ઇન્ડેક્સ પર વધારે ભાર મુક્યો હતો. એર ક્વોલિટી મોનીટરીંગ ઇન્ડેક્સ મુકવાની સાથે વધુ ઇલેક્ટ્રિક બસો અને વાહનો દોડાવવાનું અને પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના ઐતિહાસિક વારસા સમાન કિલ્લાને આ વર્ષે સંપૂર્ણપણે લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. બ્રિટિશ સિમિટ્રી અને ભાગળના કલોક ટાવરને જાળવવા જોગવાઈ કરાઈ છે. કોરોના સમયમાં લોકોના આરોગ્ય માટે પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં પીજી હોસ્ટેલ અને અલાયદું ટ્રસ્ટ બનાવવામાં આવશે. ઉપરાંત સ્લમ વિસ્તારમાં દર 10 હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ ક્લિનિક રાખવામાં આવશે. આ ઉપરાંત ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ, તાપી રિવરફ્રન્ટ, મેટ્રો રેલ પ્રોજેકટને પૂર્ણ કરવા કામો કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
પીપીપી ધોરણે એક આખા વિસ્તારને આપીને તેને વિકસાવવાનો પણ પાયલોટ પ્રોજેક્ટનો વિચાર આ બજેટમાં કરવામાં આવ્યો છે. વર્ષ 2030 સુધીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા સંચાલન માટે સીટી વોટર બેલેન્સ અને એક્શન પ્લાન કરવામાં આવ્યો છે.
બજેટ હાઈલાઇટ્સ :- •આ વર્ષે રિવરફ્રન્ટ અને મેટ્રો રેલ પ્રોજેકટ અને સુરત મહાનગરપાલિકાનું મુખ્ય વહીવટીભવન ખૂબ મહત્વપૂર્ણ ભાગ બની રહેશે. •આ વર્ષે સૌથી વધારે મેટ્રોના કામ પર ભારણ મુકવામાં આવશે. •કોર્પોરેશનના નવા વહીવટી ભવન માટે 900 કરોડની જોગવાઈ.. •56 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનનાર શહીદ સ્મારક માટે અંદાજે 20 કરોડની જોગવાઈ.. •ડુમસ દરિયાકિનારાને ઇકો ટુરિઝમ પાર્ક ડેવલપ કરવા 600 કરોડની જોગવાઈ •સુરતમાં 192 તળાવોમાંથી 25 તળાવોનું ડેવલપમેન્ટ કરાશે, લેક ગાર્ડન ઉભા કરાશે.(બે દિવ્યાંગ ફ્રેન્ડલી ગાર્ડન બનાવવામાં આવશે) •ખાડી રીડેવલપમેન્ટ પર પણ ભાર મુકવામાં આવશે, ખાડી પુર રોકવા ખાડીના ડ્રેજિંગ માટે 25 કરોડની જોગવાઈ. •57 લાખના ખર્ચે 135 પિંક ઓટો પણ લેવામાં આવશે.. •નવા 11 ગાર્ડન અને 3 શાંતિકુંજ ખુલ્લા મુકવામાં આવશે.. •ઝીરો સ્લમ સીટી અંતર્ગત 20,070 નવા આવાસો બનાવવામાં આવશે. •સામાન્ય વેરામાં કોઈ ફેરફાર નહિ. •યુઝર ચાર્જીસ માં 12.47 કરોડનો વધારો. •ઇલેક્ટ્રિક વાહનોના માટે યાંત્રિક પરિવહન ચાર્જમાં 100 ટકા માફી (અહેવાલ: પંકજ જોષી કચ્છ)