કચ્છ: અંજારમાં બંધ ઘરને નિશાન બનાવી ચોરોએ રૂ. 1. 48 લાખના મુદ્દામાલની ચોરી કરી લેવામાં આવી હતી. આ બનાવમાં ચાંદીના દાગીના છોડી 7 મોબાઈલ , લેપટોપ , સોનાની ચેન , રોકડ વગેરે તફડાવી લેવામાં આવ્યા હતા. આ અંગે અંજાર પોલીસ મથકેથી મલેશ્વર નગરમાં રહેતા 59 વર્ષીય તારાબેન ઈશ્વરગર ગોસ્વામીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 26 / 1 ના તે ઘર બંધ કરી બહાર ગયા હતા અને 28 / 1 ના પરત આવ્યા હતા , જયારે તેમના ઘરનો દરવાજાનો તાળો તૂટેલો હતો અને તિજોરી માંથી ચાંદીના દાગીના છોડી રૂ. 70 હજારની કિમતના 7 મોબાઈલ અને 25 હજારના લેપટોપની ચોરી કરી લેવામાં આવી હતી.
જે બાદ બાજુના રૂમમાં રાખેલ કબાટ માંથી રૂ. 18 હજારની સોનાની ચેન તથા રૂ. 5 હજારના કિમતનો મહિલાને પહેરવાના ઘડિયાળ તેમજ રૂ. 30 હજાર રોકડા એમ કુલ 1, 48, 000ના મુદ્દામાલની ચોરી કરી લેવામાં આવી હતી. જે અંગે ફરિયાદી દ્વારા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં અવાર નવાર બનતા નાની મોટી ચોરીના બનાવોથી લોકોમાં ભય સાથે ચિંતાની લાગણી પ્રસરી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાય તેવી શહેરીજનો માગ કરી રહ્યા છે.
અહેવાલ: પંકજ જોષી કચ્છ