ચોમાસુ આવતા આવતા કદાચ સરકારની પોલ ધીમે ધીમે ખુલતી જશે. જે રીતે સરકારી કર્મચારીઓ ખાડા ખોદી દે છે પરંતુ એમને એ જ ખાડા પુરવાનો એમને સમય નથી. પાંચ વર્ષ અગાઉ વર્ષ-2017માં અમદાવાદમાં 400 કરોડનાં રોડ તુટવાના કૌભાંડની તપાસ પુરી કરી લેવામાં આવી છે. આ કૌભાંડમાં ત્રણ એડીશનલ સિટી ઈજનેર ઉપરાંત ચાર ડેપ્યુટી સિટી ઈજનેર, સાત આસીસ્ટન્ટ સિટી ઈજનેર ઉપરાંત નવ આસીસ્ટન્ટ સિટી ઈજનેરને ચાર્જશીટ આપવામાં આવી હતી. જે અધિકારીઓને ચાર્જશીટ અપાઈ હતી.આ પ્રકરણમાં નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સોંપાઈ હતી જે પુરી થઈ ગઈ છે. આમ છતાં આ મામલે જેમને ચાર્જશીટ અપાઈ છે એમની સામે પગલાં કયારે લેવાશે એ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.
આપને જણાવી દઈએ કે, વર્ષ-2017ના વર્ષમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં શહેરમાં ભારે વરસાદ આવતા શહેરના સાત ઝોનના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને 400 કરોડના બનાવવામાં આવેલા રસ્તા ધોવાઈ ગયા હતા.બાદમાં આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા રોડ તુટવા મામલે જે કોઈ જવાબદાર અધિકારીઓ હોય એમની સામે કડક કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટના આદેશ બાદ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી. વિજિલન્સ તપાસના અંતે એ સમયે ત્રણ એડીશનલ સિટી ઈજનેર સહિત ઈજનેર વિભાગ અને રોડ પ્રોજેકટ વિભાગના કુલ મળીને 23 અધિકારીઓને તેમની બેદરકારી બદલ ચાર્જશીટ આપવામાં આવતા ઈજનેર વિભાગમાં હોબાળો મચી જવા પામ્યો હતો.એ સમયે મ્યુનિ.માં ફરજ બજાવતા ઈજનેરો દ્વારા સત્તાધીશો ઉપર દબાણ લાવવામાં આવતા નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સોંપાઈ હતી.