બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. જ્યારે સલમાન ખાનના પિતા સલીમ ખાન સવારે જોગિંગ માટે ગયા હતા, જ્યાં તેઓ બેન્ચ પર બેઠા હતા, ત્યારે તેમને એક પત્ર મળ્યો હતો. જેમાં તેમને અને તેમના પુત્ર સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, સલમાન ખાનનો હાલ પણ સિદ્ધુ મૂસેવાલા જેવો કરી દઈશું.
આ પત્ર મળ્યા બાદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ પત્ર સલીમ ખાનને સવારે 7:30 થી 8:00 વાગ્યાની આસપાસ મળ્યો હતો. બાંદ્રા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાજેતરમાં, પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેટલાય લોકોએ એક સાથે તેના પર હુમલો કર્યો અને લગભગ 25-30 ગોળીઓ ચલાવી હતી0. આ હુમલામાં મૂસેવાલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સિદ્ધુ મુસેવાલાના નિધન બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. દરમિયાન, સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ તેના ચાહકોમાં પણ ચિંતા ફેલાઈ છે.