Thu. Nov 21st, 2024

ઝાલોદના વરોડ પાસે ગમખ્વાર અકસ્માત: ટાટા ટર્બોએ બાઈકને ટક્કર મારી, બે બાઈક સવારના સ્થળ પર જ મોત, એક ઈજાગ્રસ્ત

ઝાલોદ: વરોડ ગામે હનુમાનજી મંદીર પાસે રોડ પર ટર્બો ગાડીએ સામેથી આવતી મોટર સાયકલને ટક્કર મારી હતી.સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર ત્રણે જણાને ગંભીર ઈજાઓ થતાં તૈ પૈકીના બે જણાનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર માટે ઝાલોદના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

 

ટાટા ટર્બો ચાલક ઝાલોદથી લીમડી તરફ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આવતો હતો. વરોડ ગામે હનુમાનજી મંદીરની પાસે રોડ પર લીમડીથી ઝાલોદ તરફ જઈ રહેલ જીજે-20 એમ-6203 નંબરની મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર ઝાલોદ તાલુકાના સારમારીયા ગામના ભાગોળ ફળિયામાં રહેતા અનીલભાઈ કસુભાઈ વસૈયા, અમીતભાઈ કસનાભાઈ વસૈયા તથા રાહુલભાઈ બાબુભાઈ વસૈયા મોટર સાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાયા હતા.

 

અનીલભાઈ કસુભાઈ વસૈયા તથા અમીતભાઈ કસનાભાઈ વસૈયાને માથામાં તથા શરીરે જીવલેણ ઈજાઓ થતાં તે બંનેના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે રાહુલભાઈ બાબુભાઈ વસૈયાને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે 108 મારફતે ઝાલોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

 

ઘટનાની જાણ લીમડી પોલીસને કરાતા લીમડી પોલીસ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવી હતી. મરણજનાર અનીલભાઈ કસુભાઈ વસૈયા તથા અમીતભાઈ કસનાભાઈ વસૈયાની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ બંનેની લાશનું પંચનામુ કરી બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે ઝાલોદ સરકારી દવાખાને મોકલી આપી હતી. આ સંબંધે સારમારીયા ગામના અરવીંદભાઈ કસુભાઈ વસૈયાએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલીસે ટર્બાના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights