Tue. Dec 24th, 2024

DAHOD-દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

જિલ્લાના તમામ મતદારોને લોકશાહી પ્રક્રિયામાં જોડાવા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીનું આહ્વાન

કાયદો વ્યવસ્થાને હાથમાં લેનાર વિરૂદ્ધ પાસા સહિતના કડક કાયદાકીય પગલા લેવાનું જણાવતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર

જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ ૮,૦૯,૫૬૩ મતદારો ભાગ લેશે

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૪૦૦૦ થી પણ વધુ પોલીસકર્મીઓ સાથે સઘન પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો.

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે પોલીસની ૨૬ ક્વીક રિસ્પોન્સ ટીમ ખડેપગે રહેશે

દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

દાહોદ  જિલ્લામાં આગામી તા. ૧૯ ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ તકે જિલ્લાના તમામ મતદારોને આ લોકશાહી પ્રક્રિયામાં ભાગીદાર થવા ડો. હર્ષિત ગોસાવીએ આહ્વાન કર્યું હતું અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાઇ તેમા સહયોગ આપવા જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક શ્રી જોયસરે સપષ્ટપણે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં કાયદો હાથમાં લેનાર સામે પાસા સહિતના કડક પગલા લેવામાં આવશે.


કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, જિલ્લામાં ૩૨૪ ગ્રામ પંચાયતની અને ૩ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી એમ ૩૨૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તા. ૧૯ ડિસેમ્બરે યોજાશે. ચૂંટણીમાં સરપંચની બેઠકની સંખ્યા ૩૨૪ અને વોર્ડના સભ્યોની સંખ્યા ૨૩૫૬ છે. જયારે મતદાન મથકોની સંખ્યા ૯૮૦ અને સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૨૨૬ છે. તદ્દઉપરાંત અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૫૮૯ છે.
તેમણે ઉમેર્યું કે, ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર મતપેટીઓ સંખ્યા ૧૫૬૦ છે. ચૂંટણી અધિકારની સંખ્યા ૭૨ અને મદદનીશ ચૂંટણી અધિકારીની સંખ્યા ૭૨ છે. જયારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોલીગ સ્ટાફની સંખ્યા ૬૫૫૫ છે. જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા ૮,૦૯,૫૬૩ છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા ૪,૦૩,૬૬૫ અને મહિલા મતદારોની સંખ્યા ૪,૦૫,૮૯૧ છે. જિલ્લામાં કુલ ૯ સ્થળોએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.
તેમણે જિલ્લાના તમામ મતદારોને લોકશાહી પ્રક્રિયામાં ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય એ માટે સહયોગ આપવા અપીલ કરી હતી.
જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૪૦૦૦ થી પણ વધુ પોલીસકર્મીઓ સાથે સઘન પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમના દ્વારા ફૂટ માર્ચ, રૂટ માર્ચ, નાઇટ પેટ્રોલીંગ સહિત રાઉન્ડ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. ૫૩૦ થી વધુ અતિ સંવેદનશીલ મતદાન મથકોએ ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ વિડિયોગ્રાફી સહિતની ચુસ્ત પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા ૧૨૩ જેટલા સ્થળોએ વિડિયોગ્રાફીની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે ૨૬ ક્વીક રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે. તેમજ પોલીસ સ્ટેશન દીઠ પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ પણ રહેશે. જિલ્લામાં ૧૭ જેટલી આંતર રાજ્ય ચેકપોસ્ટ અને ૨ આંતર જિલ્લા ચેક પોસ્ટ પર સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી સંદર્ભે ૫૫૫૪ લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવે છે. ૨૫ થી વધુ સામે પાસા અને તડીપાર સહિતની દરખાસ્ત કરવામાં આવી છે. ચૂંટણીમાં કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે અધિકારીઓ દ્વારા ગામોની મુલાકાત લેવામાં આવી રહી છે. ફૂટ માર્ચ, રૂટ માર્ચ, નાઇટ પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે.
તેમણે સપષ્ટ જણાવ્યું કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાને હાથમાં લેનાર વિરૂદ્ધ પાસા સહિતના કડક કાયદાકીય પગલા લેવાશે. અગાઉની ચૂંટણીઓમાં પણ તંત્ર દ્વારા આવા કડક પગલા ભરવામાં આવ્યા છે.
નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર સહિત ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યાં હતા.

Related Post

Verified by MonsterInsights