Mon. Dec 23rd, 2024

Surat: 8 મહિનાના બાળકને આયાએ ગાદલામાં પટકતાં ગંભીર ઈજા, હાલ વેન્ટિલેટર પર, પોલીસે નોંધ્યો હત્યાના પ્રયાસનો ગુનો

સુરત: નોકરી કરતાં દંપતી પોતાના નાના બાળકોને સાચવવા માટે આયા રાખતાં હોય છે. પરંતુ એવા કેટલાય કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જ્યાં આયાએ કુમળા બાળક સાથે અમાનવીય વર્તન કર્યું હોય. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે 8 મહિનાનું બાળક બેભાન અવસ્થામાં મળી આવતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયું હતું. રાંદેર વિસ્તારમાં માતાપિતા સાથે રહેતા આ બાળકની સ્થિતિ ગંભીર હતી. કથિત રીતે આયાએ બાળકને ગાદલામાં પટક્યું હતું. આ ઘટના બની ત્યારે બાળકના મા-બાપ ઘરે નહોતા. રાંદેર પોલીસે ) બાળકની 27 વર્ષીય આયા કોમલ ટંડેલકર સામે કથિત રીતે બાળકને માર મારવાની ફરિયાદ નોંધી છે.

ખાનગી સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચર તરીકે નોકરી કરતાં બાળકના પિતા મિતેશ પટેલે આયા સામે ફરિયાદ નોંધાવી હતી. આયા સામે IPCની કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. મિતેશ પટેલનાં પત્ની ITIના ફેકલ્ટી મેમ્બર છે. ત્યારે પતિ-પત્ની બંને નોકરી કરતાં હોવાથી તેમણે જોડિયા બાળકોની દેખભાળ માટે કોમલ ટંડેલકરને આયા તરીકે રાખી હતી.

પટેલ દંપતીને પાડોશીએ જણાવ્યું કે, તેમના દીકરાઓ આયા સાથે હતા ત્યારે ખૂબ રડતા હતા. જેથી કપલને શંકા જતાં તેમણે ઘરમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ તપાસ્યા હતા. આયા કોમલ ઘરમાં સીસીટીવી લાગેલા હોવાની વાતથી અજાણ છે.

શુક્રવારે કોમલે મિતેશ પટેલને ફોન કરીને જણાવ્યું કે, તેમનો એક દીકરો બેભાન થઈ ગયો છે. જેથી તેઓ તાત્કાલિક આવ્યા અને દીકરાને હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ બાળક ત્યાં દાખલ છે.

પોલીસે જણાવ્યું, “બાળકને માથામાં ગંભીર ઈજા થઈ છે અને હાલ તે વેન્ટિલેટર પર છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કોમલ ટંડેલકરે બાળકને ગાદલામાં ખૂબ જોરથી પછાડ્યું હતું. પરિણામે તેને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.”

Related Post

Verified by MonsterInsights