અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ કરી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન બાદ તેના પતિ હનીમૂન માટે બેંગકોક લઇ ગયા હતા. જ્યાં તેના પતિએ તેને પરાણે દારૂ પીવડાવ્યો હતો. યુવતીએ દારૂ પીવાની મનાઇ કરતા તેના પતિએ તેને માર માર્યો હતો. એટલું જ નહી લોકડાઉનમાં તેના સાસરિયાઓએ પિયરમાંથી દોઢ લાખ રૂપિયા લઇ આવ તેમ કહીને તેના પર દબાણ કર્યું હતું. આખરે કંટાળેલી પરિણીતાએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે. શહેરનાં નારાયણનગર રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2020 થયા હતા.
પ્રીતમનગર ખાતે રહેતા એક યુવક સાથે આ યુવતીનાં લગ્ન થયા હતા. પતિએ અગાઉ પણ એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બંન્ને વચ્ચે મનમેળ નહી રહેતા બંન્ને છુટા પડી ગયા હતા. યુવતીનાં લગ્નનાં 15 દિવસ બાદ તેના પતિ સાથે હનીમુન માટે બેંગકોક ગયા હતા. આ યુવતી અને તે પતિએ હોટલમાં રહ્યા હતા. તેના પતિએ દારૂ પીધો હતો. આ યુવતીને પરાણે દારૂ પીવડાવવા માટે મજબુર કરી હતી. જો કે યુવતીએ પોતે દારૂ નહી પીતી હોવાનું કહીને પ્રતિકાર કર્યો હતો. જેથી પતિએ તેને માર માર્યો હતો અને તેનો પ્રતિકાર કર્યો હતો. બીજા દિવસે આ યુવતીએ તેના સાસુ સસરાને આ બાબતે જાણ તેમણે આ વાત સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો હતો.
જો કે ત્યાર બાદ તેઓ ઘરેથી કરિયાવર નહી લાવી હોવાનું કહીને મ્હેણા મારવાનું શરૂ કર્યું હતું. જેથી યુવતીના પિતાએ દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. જો કે ત્યાર બાદ વારંવાર પૈસા માંગી તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ આ મુદ્દે વારંવાર ઝગડાઓ થતા હતા. નણંદે પણ માનસિક ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. આખરે પરિણીતાએ પાલડી પોલીસ સ્ટેશનમાં જઇને તપાસ શરૂ કરી હતી.