વડોદરામાં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી દરમિયાન 4 પોલીસ જવાનોને ચક્કર આવતા તેઓ નીચે ઢળી પડ્યાં હતાં. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું સંબોધન ચાલતું હતું એ દરમિયાન આ જવાનોને ચક્કર આવ્યાં હતાં. તેમને 108ના કર્મચારીઓ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આવાસ યોજના કૌભાંડમાં તટસ્થ રીતે તપાસ કરવામાં આવશે
દેશના 75 માં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વડોદરા શહેરના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડોદરા મહાનગર પાલિકાના આવાસ કૌભાંડ પર મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, આવાસ યોજના કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવશે અને મામલો પારદર્શિતા સાથે કામ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે વડોદરાના મેયરની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના મેયરના ધ્યાનમાં આવતા જ ફરીયાદ કરવામા આવી હતી. આ ઉપરાંત કૌભાંડમાં જે પણ સામેલ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે 75 માં સ્વતંત્રતા પર્વની નિમિત્તે રાજ્યમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ‘જન ગણ મન’ કાર્યક્રમ અંતર્ગત સમૂહ રાષ્ટ્રગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તલવાર બાજીનો કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને યુવાનો પણ જોડાયા હતા.