અમદાવાદના એસ.જી હાઇવે પર તાજેતરમાં જ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબજો કર્યો છે. મહત્વનું છે કે આ ઘરફોડ ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ જાણભેદુ સંબંધિ વ્યક્તિ હોવાનું સામે આવ્યુ છે.
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ બાદલ ઉર્ફે ચકો સોની છે. બાદલ પર પોતાના જ કુટુંબી ભાઈના ઘરે ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. અગાઉ પણ બાદલ વાહન ચોરીના ગુનામાં ઝડપી ચુક્યો છે. તેમ છતાં પણ ચોરી કરવાનું ભૂલ્યો નહોતો અને ગત ૩ જૂનના રોજ પોતાના જ માસીના ઘરે રૂપિયા 1.18 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરીને પણ મિત્ર સાથે મળી તેને અંજામ આપ્યો હતો.
પકડાયેલા આરોપી બાદલ ઉર્ફે ચકા સોની માસીના ઘરે ચોરી કરવા પ્લાનિંગ પણ કર્યો હતો. દોઢેક મહિના અગાઉ માસીના ઘરને ડુપ્લીકેટ ચાવી બનાવી સાતેક વખત ઘરની આસપાસના રોડ રસ્તાની રેકી પણ આરોપી કરી ચૂકેલો. એટલું જ નહીં પોલીસથી બચવા સીસીટીવીમાં ન દેખાય તે માટેના રસ્તા પણ પસંદ કરી ચૂકેલો છતાં બાદલ પોતાની એક ભૂલનાં કારણે પોલીસના હાથે આવી ચડ્યો.
આરોપી બાદલ ઉર્ફે ચકા સોની અને તેના મિત્ર સાહિલ પટેલ સાથે આ ઘરફોડ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જેથી કરી આરોપી માસીના ઘરે જાય તો તેની પર કોઈ શંકા ન કરે. મહત્વનું છે કે જે સમયે ચોરી થઇ એ જ દિવસે બાદલના ઘરે તેના માસી બેસવા પણ આવ્યા હતા અને બાદમાં ઘરફોડ ચોરી થતા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી.
મહત્વનું છે કે સીસીટીવી સર્વેલન્સ અને ટેકનિકલ એનાલિસિસ આધારિત પોલીસે આરોપીને ઝડપી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.