જામનગર : એક બાજુ સરકાર પૂરતા કોરોના રસીના ડોઝ હોવાની વાત કરી રહી છે. તો બીજી તરફ રાજ્યના ઘણા વેક્સિનેશન સેન્ટર એટલે જ બંધ કરવાની ફરજ પડી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકવા માટે સરકાર દ્વારા રસીકરણ વધારવા માટે ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સમગ્ર રાજયમાં પણ લોકોમાં રસી પરત્વે જાગૃતિ જોવા મળી રહી છે. પરંતુ અપૂરતા જથ્થાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જામનગરમાં પણ ડોઝ ન હોવાની સ્થિતિ સામે આવી છે.
જામનગરમાં દૈનિક 25 થી 30 સેન્ટરો પર વેક્સિનેશનની કામગીરી થતી હતી. જ્યારે આજે માત્ર 7 કેન્દ્ર પર કામગીરી થઈ રહી છે. હવે અચાનક કામગીરી બંધ થઈ જતા લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે કેમકે સવારથી લાઈનમાં ઉભા રાખ્યા બાદ તેમને રસી માટે ના પાડવામાં આવે છે.
લોકોમાં એટલે જ ખાસ જાગૃતિ અને ત્રીજી વેવનાં સંભવિત ખતરા સામે રસી જ તેનો બચાવ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે પણ રસીનો જથ્થો ન હોવાથી તે નિરાશ થઈને પરત જઈ રહ્યા છે ત્યારે તે માગ કરી રહ્યા છે કે સરકાર ઝડપથી આ મુદ્દે નિરાકરણ લાવે.
એક સમયે દૈનિક 500થી 700 જેટલા કેસ નોંધાતા હતા જેની સામે અત્યારે 10થી નીચે કેસ નોંધાઈ રહ્યા છે. અગાઉ જીજી હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં કુલ 27 વોર્ડમાં 2 હજારથી વધુ દર્દીઓ દાખલ હતા જેની સામે અત્યાર ફક્ત 72 દર્દીઓ જ સારવાર હેઠળ છે. ત્યારે હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી હતી. જણાવવું રહ્યું કે જામનગરમાં કોરોનાના કેસ ઘટતા સરકારી જીજી હોસ્પિટલના 20 વોર્ડ બંધ કરવામાં આવ્યા છે. કુલ 27 વોર્ડમાંથી 20 વોર્ડ બંધ કરીને ફક્ત 7 વોર્ડ ચાલુ રખાયા છે. આ 7 વોર્ડમાં હાલ 72 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.