બનાસકાંઠા : બનાસકાંઠાના અનાજ કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે 8 લોકોની ધરપકડ કરી છે. જ્યારે અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં 49 લોકો સામે ફરિયાદ (FIR) નોંધાઈ છે, જેમાં 20 જેટલા સસ્તા અનાજની દુકાનના સંચાલકોનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જે લોકો રેશનિંગની દુકાનમાંથી માલ ખરીદતા નથી તેઓ અજાણ હોય છે, તેવા લોકોની જાણ બહાર, તેમના ખાતે અનાજનું કૌભાંડ આચરવામાં આવતું હતું. આરોપીઓ માલ ન ખરીદતા હોય તેવા કાર્ડધારકોના ઓનલાઈન બિલો બનાવીને નાણા મેળવી લેતા હતા.
જણાવવું રહ્યું કે સસ્તા અનાજની દુકાનોમાં જે પ્રકારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેની રાજ્યવ્યાપી તપાસ થવી જરૂરી છે. આર્થિક ગોબાચારીની સાથે અનાજમાં જીવાતની જેમ ભળી ગયેલા કાળાબજારીયાઓ પર પણ સકંજો કસવાની જરૂર છે. તાજેતરમાંજ પંચમહાલ અને મહિસાગરમાં આવા જ હલકી ગુણવત્તા ધરાવતા અનાજની ફરિયાદ સામે આવી હતી.
વાત ખાલી પંચમહાલની નથી પરંતુ આવા જ પ્રકારની ફરિયાદો ઉઠી છે મહિસાગરમાં પણ. આ જિલ્લામાં પણ સરકાર માન્ય દુકાનોમાં આપવામાં આવતા ચોખામાં ગેરરીતિનો વીડિયો વાયરલ થયો હતો જે સામે આવ્યા બાદ તંત્રમાં સોપો પડી ગયો છે.
ગરીબોને આપવામાં આવતા અનાજમાં પ્લાસ્ટિકના ચોખા મળ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. ખાનપુરના બડેસરા ગામની સરકાર માન્ય દુકાનમાં વહેંચણી બાદ ગરીબ પ્રજાનો આ આક્ષેપ છે અને બકાયદા તેનો વિડિયો પણ બનાવીને વાયરલ થઈ જતા તંત્ર માટે આ તપાસનો વિષય બન્યો છે. સરકાર દ્વારા આપવામાં આવેલા ચોખા પ્લાસ્ટિકના હોવાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થતા સરકારી તંત્ર માટે નીચાજોણા સમાન થયું હતું.
આવા તત્વો ગરીબોનાં નામે અનાજ મેળવીને છેવટે નુક્શાન આવા ગરીબોને કરતા હોય છે તો તેના પર પણ સરકારે લગામ લગાડવાની જરૂર છે.