વલસાડમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો છે. લગ્ન પ્રસંગમાં સૂટ બૂટને બદલે જુના કપડા પહેરતા મ્હેણાં ટોણા સાંભળતા એક આધેડે આપઘાત કર્યો છે. પરિવારજનો અને સ્વજનોએ જૂના કપડા બાબતે મ્હેણાટોણા મારતા માઠું લાગતા આધેડે આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો.
સૂટબૂટ પહેરવા પર પરિવારે આગ્રહ કર્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામે બાવરી મોરા ફળિયાના યોગેશ્વર પાર્ક ખાતે રહેતા રમેશભાઈ ભીખુભાઈ આહીર અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. રમેશભાઈ (ઉંમર વર્ષ 42) તારીખ 31 મેના રોજ સંજાણમાં પોતાની સાળીના ત્યાં લગ્નમાં ગયા હતા. ત્યાં તેને સૂટ અને તેની સાથે ચામડાના બૂટ પહેરવા પરિવારે કહ્યું હતું. રમેશભાઈએ માત્ર ફોર્મલ કપડા પહેર્યા હતા. તેથી પરિવારે ફરીથી તેમને ચામડાના બૂટ તથા સૂટ પહેરવા જણાવતા હતું તે વાતનું રમેશને માઠું લાગી આવ્યું હતું. આ કારણે તેઓ સંજાણથી પોતાની સાળીના પુત્રના લગ્ન પ્રસંગમાંથી કોઈને પણ કંઈ કહ્યા વગર નીકળી ગયા હતા.
પરિવારે જોયુ તો રમેશભાઈએ ફાંસો ખાધો હતો
લગ્નથી પરત આવીને તેઓ ટુકવાડા પોતાના ઘરે પહોંચી ગયા હતા. તે પછી પરિવારના સદસ્યો રાત્રિના 10 કલાકે ઘરે પહોંચ્યા ત્યારે જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં જઈને જોતા રમેશભાઈ લોખંડની એન્ગલ સાથે સફેદ કલરના રેસાવાળી દોરીથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના અંગે પારડી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.