ટેકનોલોજી એક એવી વસ્તુ છે જે સતત અપડેટ થતી રહે છે. અને લોકો પણ હવે સમયની સાથે ટેકનોલોજી સાથે તાલમેલ મિલાવતા થઈ ગયા છે. લાઈફસ્ટાઈલ પહેલાં કરતા ખુબ જ ફાસ્ટ થઈ ગઈ છે. હવે ઈન્ટરનેટ અને મોબાઈલના કારણે દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી ગઈ છે. ત્યારે હવે પેમેન્ટ એટલેકે પૈસાની ચૂકવણીની પેર્ટન પણ બદલાઈ ગઈ છે.
બદલાતા સમય પ્રમાણે ક્રમશ મોબાઈલ વોલેટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સિસ્ટમ આવી, હવે આ સિસ્ટમ પણ જૂની ગઈ છે. હવે એના કરતા પણ નવી સિસ્ટમ આવી ગઈ છે. ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્કે ગ્રાહકો માટે Wear ‘N’ Pay ની સુવિધા લોન્ચ કરી છે.
Wear ‘N’ Pay ની મદદથી વોલેટ કે ફોન દ્વારા પેમેન્ટ કરવાની ઝંઝટમાંથી છુટકારો મળશે અને ગ્રાહક હેન્ડ્સફ્રી પેમેન્ટ્સ કરી શકશે. હકીકતમાં, એક્સિસ બેન્કે વેરેબલ કોન્ટેક્ટલેસ પેમેન્ટ ડિવાઈસિસ લોન્ચ કર્યું છે. આ ડિવાઈસ બેન્ડ, કી-ચેઈન અને વોચ લૂપ છે. આ કોન્ટેક્ટલેસ પેમેન્ટ ડિવાઈસિસ બેન્કના ડેબિટ કાર્ડની જેમ કામ કરશે અને ગ્રાહકો માટે બહુ મોંઘી પણ નહી પડે.
જો કે, આનાથી 5 હજાર રૂપિયા સુધીનું જ પેમેન્ટ કરી શકાશે. 5 હજાર રૂપિયાથી વધુના પેમેન્ટ માટે પિનની જરૂર પડશે અથવા પેમેન્ટ કોન્ટેક્ટલેસ નહિં રહે. આ પ્રોગ્રામ હેઠળ ગ્રાહકોને 10 ટકા કેશલેસની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ સિવાય પર્ચેજ લિમિટના 100 ટકા સુધી ફ્રોડ લાયબિલિટી કવર પણ મળશે.
જે લોકો એક્સિસ બેન્કના ગ્રાહક નથી તે પોતાની નજીકની એક્સિસ બેન્ક શાખા અથવા વીડિયો કેવાયસી દ્વારા ઘરે બેઠા બેન્કમાં પોતાનું ખાતુ ખોલાવી શકે છે અને વેર એન્ડ પે ડિવાઈસનો ઉપયોગ કરી શકે છે. કોઈ કોન્ટક્ટલેસ પેમેન્ટ સ્વીકારતા વેપારી પાસેથી વેર ન પે ડિવાઈસ દ્વારા કોઈ પણ મુશ્કેલી વિના પેમેન્ટ કરી શકાય છે. આના દ્વારા યૂઝર્સને પીઓએસ મશીન ઉપર વેરેબલ્સને લાવવાનું રહેશે અને પેમેન્ટ થઈ જશે.
કોન્ટેક્ટલેસ પેમેન્ટ ડિવાઈસિસને ડિઝાઈન અને ક્રિએટ કરવા માટે બેન્કે થેલ્સ એન્ડ ટેપ્પી ટેક્નોલોજીસ સાથે ભાગીદારી કરી છે. આ પ્રોડક્ટ માસ્ટરકાર્ડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. બેન્ક દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, ડિવાઈસ માત્ર 750 રૂપિયામાં મળશે. વેરેબલ ડિવાઈસ ગ્રાહકોના બેન્ક ખાતા સાથે સીધુ લિન્ક્ડ રહેશે અને એક ડેબિટ કાર્ડની માફક કામ કરશે. આના દ્વારા ગ્રાહક કોઈ પણ એવા મર્ચન્ટને ત્યાં શોપિંગ કરી પેમેન્ટ કરી શકે છે. વેર ન પે ડિવાઈસને ફોન બેન્કિંગ અથવા એક્સિસ બેન્કની કોઈ પણ બ્રાન્ચથી ખરીદી શકો છો.