Sun. Sep 8th, 2024

કોરોના સંકટ વચ્ચે ઉત્તરાખંડમાં ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

કોરોના સંકટ વચ્ચે ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના કપાટ આજે ખોલી દેવામાં આવ્યા છે. બાબા કેદારની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી પોતાના શીતકાલીન ગાદીસ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થઈ હતી અને રવિવારે કેદારનાથ પહોંચી હતી.

કોરોનાને ધ્યાનમાં રાખીને બાબા કેદારની ડોલીને રથ દ્વારા ગૌરીકુંડ સુધી લઈ જવામાં આવી હતી. દેવ સ્થાનમ બોર્ડના કેટલાક કર્મચારીઓ, વેદપાઠી અને પુજારી ડોલી સાથે ઉપસ્થિત રહ્યા હતા. કોરોના સંકટના કારણે આ વખતે કેદરાનાથ ધામની યાત્રા સીમિત કરી દેવામાં આવી છે.

કેદારનાથ ધામ ખોલતા પહેલા બાબાના દરબારને ફૂલો વડે શણગારવામાં આવ્યો હતો. મહામારીના પ્રકોપના કારણે હાલ કોઈ પણ તીર્થયાત્રી કે સ્થાનિક ભક્તને કેદારનાથ જવાની મંજૂરી નથી અપાઈ રહી. કપાટ ખુલવા સમયે દેવસ્થાનમ બોર્ડની સીમિત ટીમે જ પૂજા પાઠ કર્યા હતા. કેદારનાથમાં આ વખતે મે મહિનામાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે.

અગાઉ શનિવારે ઉત્તરાખંડ ખાતે આવેલા ચાર ધામ પૈકીના ગંગોત્રીના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન અને પ્રતિબંધો લાગુ છે જેથી માત્ર પુજારીઓએ જ મા ગંગાની ડોલી કાઢી હતી. સતત બીજા વર્ષે શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વગર યાત્રા યોજાઈ હતી.

Related Post

Verified by MonsterInsights