રાજ્યમાં કોરોનાકાળમાં સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં 53 નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. ડીજીપીના આદેશને પગલે 2 મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 53 નકલી ડોક્ટરો ઝડપાયા છે. મોટાભાગના કિસ્સામાં બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોક્ટરો પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે.
ડીજીપીએ લેભાગુ તબીબોને શોધવા આદેશ આપ્યો હતો
કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યુ હતું.
જેના બાદ દર્દીની તબિયત બગડે એટલે મોટી હોસ્પિટલમાં રિફર કરી સ્વાસ્થ્યને જોખમમાં મુકવામાં આવતું હોવાનું ડીજીપી આશિષ ભાટિયાના ધ્યાર પર આવ્યું હતું. જેથી ડીજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કર્યો હતો.
વલસાડમાં સૌથી વધુ 9 તબીબ પકડાયા
તા. 1 એપ્રિલથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. તારીખ 1 એપ્રિલથી તા 31 મે સુધીમાં રાજ્યમાં કુલ 53 બોગસ ડોક્ટર પકડી પાડવામાં આવ્યાં છે. 53 ગુના નોંધીને પોલીસે 57 આરોપીને ઝડપી લેવાયા છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 9 નકલી ડોક્ટર ઝડપી ગુના નોંધાયા છે. તો વડોદરા ગ્રામ્યમાં 4, પંચમહાલ જિલ્લામાં 4 અને મોરબી જિલ્લામાં એક નકલી ડોક્ટર પકડાયો છે. મોટાભાગના કિસ્સામાં બહારના રાજ્યમાંથી આવેલા શખ્સો કોઈ જ ડિગ્રી વગર ગામડાના લોકોને તબીબી સારવારના નામે એલોપથી દવા આપતા હતા.