Mon. Dec 23rd, 2024

આજથી ગુજરાતના 36 શહેરો ફરીથી ધબકતા થશે, સાંજે 6 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો-ધંધા

રાત્રિ કરફ્યૂ દરમિયાન ગુજરાતના 36 શહેરોમાં સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી જ દુકાનો અને ધંધા ખૂલવાની છૂટછાટ હતી. પરંતુ આજે 4 જૂનથી આ નિયમ બદલાઈ રહ્યો છે. ગુજરાત સરકારે કરફ્યૂના સમયમાં કરેલા ફેરફાર મુજબ, આજથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો અને વ્યાપારિક ગતિવિધિઓ થઈ શકશે. આમ, લાંબા સમય બાદ ગુજરાત (36 cities) માં વ્યાપારિક ગતિવિધિઓ થશે, અને ગુજરાતનું જનજીવન રાબેતા મુજબ ધબકતુ થશે. આ અમલ 11 જૂન સુધી રહેશે.

આજથી રેસ્ટોરન્ટ્સ હોમ ડિલીવરી 10 વાગ્યા સુધી કરી શકશે

બે દિવસ અગાઉ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ કે, રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

રાત્રિ 9 થી સવારે 6 નો કરફ્યૂ યથાવત

રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે.

Related Post

Verified by MonsterInsights