Wed. Jan 15th, 2025

અમદાવાદ:મ્યુકરમાઇકોસિસની બીમારીના ઇન્જેક્શનની કાળા બજારી કરતા અમરાઈવાડી પોલીસે 42 ઇન્જેક્શન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

અમદાવાદ : કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી બાદ મ્યુકરમાઇકોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારી સામે આવી છે. અમરાઈવાડી પોલીસે મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારી કરતા શખ્સની ધરપકડ કરી 42 ઇન્જેક્શન કબજે કર્યા હતા.

પકડાયેલ આરોપી હિતેશ મકવાણા મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે. પણ હાલ અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં રહે છે અને પોલીસે તેને મ્યુકરમાઇકોસિસની બીમારીના ઇન્જેક્શનની કાળા બજારી કરતા રંગે હાથ ઝડપી લીધો છે. ઇસનપુરના વેપારીના મિત્રના સગાને બ્લેક ફંગસની સારવાર રાજકોટમાં ચાલતી હોવાથી આરોપીનો સંપર્ક થયો હતો અને તેણે વેપારીને 7 લાખ 97 હજાર રૂપિયામાં 42 ઇન્જેક્શન વેપારીને આપ્યા હતા. જે 42 ઇન્જેક્શનમાંથી 22 ઇન્જેક્શન દર્દીને આપવા છતાં દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો ન થતા તબિયત વધુ બગડતા વેપારીને શંકા જતા ફરિયાદ નોંધાઈ હતી.

વેપારીએ ફરિયાદ કરતા ઇન્જેક્શનનો જથ્થો પરીક્ષણ માટે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને બોલાવી આપવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે આરોપીને ઝડપી ઇન્જેક્શન રાખવા બાબતે કે વેચાણ કરવા બાબતે પરવાનગી માંગતા તેની પાસે કોઈ આધાર ન જણાતા પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતાં સામે આવ્યું કે આ ઇન્જેક્શન તેના મિત્ર નિતીન ઉર્ફે રાહુલ રાજસ્થાની પાસેથી મેળવ્યા હતા.

આ સમગ્ર મામલે છેતરપિંડીનો ગુનો નોંધી અમરાઈવાડી પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી હિતેશ મકવાણાએ નર્સિંગનો અભ્યાસ કર્યો છે. તેમજ તે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં રહે છે. ત્યારે આરોપીએ વેપારી સિવાય અન્ય કેટલા લોકોને આ રીતે ગણી કિંમતે ઇન્જેક્શન વેચ્યા છે અને આપનાર નિતીન રાજસ્થાની અત્યારે ક્યાં છે તે તમામ દિશામાં પૂછપરછ હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights