Sun. Dec 22nd, 2024

અમદાવાદમાં ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી આ ૪ યુવતીઓ, આમને જોઇને પોલીસ પણ થઇ આશ્ચર્યચકિત

દારૂની ખેપ મારવા માટે હાઇપ્રોફાઇલ મહિલાઓ ટ્રેનમાં બેસીને અમદાવાદ આવતી ચાર યુવતીઓને કૃષ્ણનગર પોલીસે 214 બીયરના ટીન સાથે ધરપકડ કરી છે. મહારાષ્ટ્રની ચારેય યુવતીઓ દારૂનો જથ્થો બેગમાં મુકીને ટ્રેનના અલગ અલગ કોચમાં બેસી જતી હતી અને અમદાવાદ આવીને બુટલેગરને દારૂનો જથ્થો આપતી હતી. મુસાફરી દરમિયાન એકબીજા સાથે વાત પણ કરતી ન હતી જેથી કોઈને શંકા ન જાય અને ફિલ્મી સ્ટાઈલે દારૂની હેરાફેરી કરનાર આ મહિલાઓ ઝડપાઇ જતા જે તે બુટલેગર સામે પણ કાર્યવાહી કરવાનું પોલીસે શરૂ કર્યું છે.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.જે.ચૌહાણની ટીમને માહિતી મળી હતી કે, નવા નરોડા વિસ્તારમાં આવેલી નવી કેનાલ પાસે મહારાષ્ટ્રની કેટલીક યુવતી વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થવાની છે. માહિતીના આધારે કૃષ્ણનગર પોલીસની ટીમ ગોઠવી હતી. જેમાં ચાર યુવતીઓ ત્યાથી પસાર થઇ હતી તેમને જોતાની સાથે પોલીસે તેમને રોક્યા હતા અને થેલાની તલાશી લીધી હતી. પોલીસને યુવતીના થેલા માંથી બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

કૃષ્ણનગર પોલીસે મહારાષ્ટ્રની અલગ અલગ જગ્યા પર રહેતી લક્ષ્‍મી માછરે, પુર્ણીમા ભાટ, પુજા તમાઉચીકર અને સુનિતા ટીડેગેની 214 બીયરના ટીન સાથે ધરપકડ કરી છે. આ મહિલાઓ કુબેરનગરમાં રહેતા બુટલેગર તેજસ તમચેને આ બીયરનો જથ્થો આપવાની હતી.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.જે.ચૌહાણે જણાવ્યુ છે કે, મહારાષ્ટ્રની આ ચાર યુવતીઓ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે દારૂની ખેપ મારતી હતી. ચારેય યુવતીઓ દારૂનો જથ્થો બેગમાં લઇને ટ્રેનના અલગ અલગ ડબ્બામાં બેસતી હતી.

ટ્રેનની મુસાફરી દરમિયાન ચારેય યુવતીઓ એકબીજા સાથે વાતચીત કરતી ન હતી. અમદાવાદ આવીને એક સાથે રીક્ષામાં બેસીને જતા હતા. ચારેય યુવતીઓ અગાઉ પણ અમદાવાદમાં દારૂ વેચવા હોવાનું સામે આવ્યુ છે. હાલ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

Related Post

Verified by MonsterInsights