Fri. Dec 27th, 2024

ગુજરાતમાં આજથી ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021 લાગુ, જાણો લવ જેહાદ અંગેના કાયદાની જોગવાઇઓ

ગુજરાતમાં આજથી ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021નો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા અનુસાર લોભ, લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ, કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ના કરાવાય તે માટે આ કાયદાનો આજથી ગુજરાતમાં અમલ કરાશે.

લવ જેહાદના નામે ઓળખાતા ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021 કાયદામાં અનેક પ્રકારની મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે. નવા કાયદા અનુસાર, લગ્ન કરવા માટે કરાયેલ ધર્મ પરિવર્તન માન્ય નહી રાખવા સાથે આવા લગ્ન પણ ગેરકાયદે ઠરશે. પોતે ધર્મ પરિવર્તન નથી કરાવ્યુ તે સાબિત કરવાની જવાબદારી આરોપીના શીરે રહેશે. આ પ્રકારના ગુનામાં 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામા આવી છે.

કાયદાની મહત્વની જોગવાઇઓ
• માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન કે, લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ કે ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.
• કોઇપણ વ્યક્તિ સીધી રીતે અથવા અન્યથા કોઇપણ વ્યક્તિની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુક્ત સાધનો દ્વારા અથવા લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહી.
• આ અંગે સાબિત કરવાનો ભાર ( Burden of Proof ) આરોપી, ધર્મ પરિવર્તન કરાવનાર તથા સહાયક પર રહેશે.
• ગુનો કરનાર, ગુનો કરાવનાર, ગુનામા મદદ કરનાર, ગુનામાં સલાહ આપનાર તમામને સમાન પ્રકારે દોષિત ગણાશે.
• આ જોગવાઇનું ઉલ્લંઘન કરનારને 3 વર્ષથી ઓછી નહિ અને 5 વર્ષ સુધીની કેદ અને રૂ.2 લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે.
• સગીર, સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વ્યક્તિના સંબંધમાં સજાની જોગવાઇ 4 થી 7 વર્ષ સુધીની કેદ અને રૂ.3 લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે.
• કોઇ નારાજ થયેલી વ્યક્તિ, તેના માતાપિતા, ભાઇ, બહેન અથવા લોહીની સગાઇથી, લગ્નથી અથવા દત્તક સ્વરૂપે હોય તેવી બીજી કોઇ વ્યક્તિ દ્વારા આવા ધર્મ પરિવર્તન તથા લગ્ન સામે FIR દાખલ કરાવી શકાશે.
• આ જોગવાઇઓનું પાલન ન કરનાર સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરાશે તેમજ આવી સંસ્થાને 3 વર્ષથી ઓછી નહીં અને 10 વર્ષ સુધીની કેદ તથા રૂ.૦5 લાખ સુધીના દંડની સજાને પાત્ર થશે. આવી સંસ્થાને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ તારીખથી રાજ્ય સરકાર દ્વારા નાણાકીય મદદ કે અનુદાન મળવાપાત્ર થશે નહીં.
• આ કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નીઝેબલ ગુના ગણાશે તેમજ તેની તપાસ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ( Deputy Superintendent of Police ) થી ઉતરતા દરજ્જાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહિ.

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003ની મહત્વપૂર્ણ જોગવાઇઓમાં પણ કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવેલો હતો. આ જોગવાઈઓમાં વધુ કેટલીક જોગવાઈઓ ઉમેરીને કાયદાને વધુ કડક બનાવ્યો છે.

અગાઉના 2003ના કાયદાની મહત્વની જોગવાઈઓ

• બળપૂર્વક, લલચાવીને, કપટયુક્ત સાધનો દ્વારા કરાતાં ધર્મ પરિવર્તન માટે 3 વર્ષ સુધીની કેદ અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ
• સગીર, સ્ત્રી, અનુસૂચિતજાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યક્તિના સંબંધમાં બળપૂર્વક, લલચાવીને, કપટયુક્ત સાધનો દ્વારા કરાતાં ધર્મ પરિવર્તન માટે 4 વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ.
• ધર્મ પરિવર્તનની ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી મેળવવી. જિલ્લા મેજીસ્ટ્રેટે તપાસ પછી 1 મહિનાની અંદર પરવાનગી આપવી/ઇન્કાર કરવો.
• ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી ન મેળવી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા 1 હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને
• ધર્મ પરિવર્તન કરનારે ધર્મ પરિવર્તનની વિધિની તારીખથી 10 દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટને જાણ ન કરી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા 1 હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને.
• ગુનાની કોઇપણ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ/સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના શરૂ કરી શકાશે નહી.
• આ કાયદા હેઠળના ગુના પોલીસ અધિકાર હેઠળના ગુના ગણાશે તેમજ તેની તપાસ પોલીસ ઈન્સ્પેકટર ( Police Inspector )થી ઉતરતા દરજ્જાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહિ.

Related Post

Verified by MonsterInsights