પંચમહાલ : પંચમહાલના મોરવાના સંતરોડ રોડ નજીક પાનમ નદી પુલ નીચે ગઈકાલે એક નવજાત શિશુ મળી આવી હતી. ત્રણ દિવસના માસુમ કલેજાના ટુકડા સમાન શિશુ ને કોઈ નિષ્ઠુર માતા મોતના હવાલે છોડી ગયા.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફના સંતરોડથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંચમહાલના મોરવાના સંતરોડ નજીકથી પસાર થતી પાનમ નદીના પુલ નીચેથી એક નવજાત શિશુ ઓઢણીમાં લપેટલી હાલતમાં મળી આવી હતી. ફૂલ જેવી માસૂમ પુત્રીને કોઈ કુંવારી માતા પોતાનું કુકર્મ છુપાવવા માટે અથવા તો દીકરાની ઘેલછામાં દીકરી અવતરી એ સહન ન માતા અથવા તેના પરિવારજનો મરવા છોડી ગયા હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
બાળોતિયામાં વીંટળાયેલી આ નવજાતના રૂદનથી નદીનો પટ ચીરાઈ જતો હતો તેવું લાગી રહ્યું હતું. ગતરોજ બપોરના સમયે પનમના પુલ નીચેથી પસાર થતા શ્રમજીવી રાહદારીઓ આ બાળકી માટે ફરિશ્તા બની આવ્યા હતાં. આ પદયાત્રીઓ પુલ નીચેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાળકની બૂમો સંભળાઈ. જેથી તેમની નજર મોત ને હવાલે કરાયેલ શિશુ પર પડતા તેમને મોરવા હડફ પોલીસનો સંપર્ક કર્યો હતો.
બાળકીને આવી હાલતમાં જોઇ રહેલા રાહદારીઓના જણાવ્યા મુજબ તે ખૂબ જોરથી રડતી હતી અને તેણી જે સ્થળે મળી હતી તે જોઇને હાજર લોકોની આંખોમાંથી આંસુઓ સરી પડ્યા હતાં. શિશુ જીવિત હોવાથી રાહદારીઓએ તુરંત મોરવા પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. માત્ર ત્રણ દિવસ પહેલા જ તેનો જન્મ થયો હોવાનું પોલીસને જાણ થતાં નવજાતને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત સામાન્ય હોવાનું ડોકટરે નોંધ્યું હતું. પરંતુ નિયમ પ્રમાણે, યુવતીને હવે સરકારી આશ્રયમાં મોકલવામાં આવશે.
મોરવા હડફ પોલીસે બાળકી ને છોડી દેનાર શખ્સોની ખાનગી તપાસ પણ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.