બે વર્ષ પહેલાં લગ્ન થયાં ત્યારથી ત્રાસ અપાયા પછી પિયર મોકલી દઈને પતિ, સાસુ અને સસરા અમેરિકા જતા રહ્યાં હોવાની પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. હવે, છૂટાછેડા આપવા અને દહેજમાં પાંચ લાખ, અમેરિકાની ટિકિટના પૈસા લાવવા દબાણ કરાતું હોવાની ફરિયાદ થઈ છે.
પેટલાદમાં રહેતા ૩૨ વર્ષના રઝીયાબાનુ નામની પરિણીતાએ વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું કે, તા. ૧૪-૧૨-૨૦૧૭ના રોજ તેમના લગ્ન જુહાપુરાની ગુલકોસ સોસાયટીમાં રહેતા મહંમદઅલી ઝાફરઅલી શેખ સાથે થયા હતા. પતિ મહંમદઅલી અમેરિકામાં કેશિયરનું કામ કરે છે. લગ્ન પછી સાસરીમાં સંયુક્ત કુટુંબમાં રહેવા આવ્યા ત્યારથી સાસુ વાંક કાઢતા હતા અને પરિણીતાને તેને તેના માતા-પિતા સાથે વાત કરવાની પણ મંજૂરી આપી ન હતી. બીજી તરફ પતિ શંકાસ્પદ હતો.
આ બાબતે વાતચિત કરતાં મમ્મી-પપ્પા ઘરે આવ્યા અને સમાધાન કરાવ્યું હતું. થોડા દિવસ સસરાએ પરિણીતાના પિતાને કહ્યું હતુ કે, અમારે નવું મકાન બાંધવાનું હોવાથી રઝીયાબાનુને થોડા દિવસ તમારા ઘરે પેટલાદ લઈ જાવ. પંદર દિવસ સુધી પતિ લેવા ન આવતાં પતિ-સાસુને ફોન કર્યાં પણ કોઈ ફોન ઉપાડતું નહોતું. આખરે, તે જુહાપુરા જઈને તપાસ કરતાં ખબર પડી હતી કે, પતિ અને સાસુ અમેરિકા જતા રહ્યાં છે. આ બાબતે સસરાને પૂછતાં તેમણે કહ્યું તું કે, તને પણ અમેરિકા મોકલીશું. તારો પાસપોર્ટ કઢાવવાનો હોવાથી ડોક્યુમેન્ટસ આપી દે.
આમ કહી પરિણીતાને પરત પેટલાદ મોકલી હતી. થોડા સમય પછી ખબર પડી હતી કે, સસરા પણ અમેરિકા જતાં રહ્યાં છે. પરિણીતાએ તેની સાસુને ફોન કરતાં તેમણે છૂટાછેડા વિશે જણાવ્યું. આ પછી સસરા અને નણંદે પણ છૂટાછેડા લઈ લેવા માટે વાત કરી હતી. છ મહિના પહેલાં પતિ અને સાસુ અમદાવાદ આવ્યા છે તેની ખબર પડી હતી. આ સમયે પરિણીતા અમદાવાદ પહોંચે તે પહેલાં એ લોકો પરત જતા રહ્યાં હતાં. આખરે, જુન-૨૦૨૧માં સસરાએ ફોન કરી અમદાવાદ બોલાવી છૂટાછેડા લેવાની વાત કરી હતી. દહેજના પાંચ લાખ અને અમેરિકા જવાની ટિકિટના પૈસા આપો તો લઈ જઈશું તેમ કહી સસરાએ છૂટાછેડા આપવાની વાત કરતાં આખરે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.