ગુજરાતમાં કોરોના રસીકરણ યુદ્ધના સ્તરે ચાલી રહ્યું છે. તેવામાં થોડા સમય પહેલા રાજ્ય સરાકારે વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેસન ફરજિયાત બનાવી હતી. જે માટે છેલ્લી તારીખ 30 જૂન હતી. એટલે કે 30 જૂન સુધીમાં આ તમામ લોકોને વેક્સિન ફરજિયાત મુકાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે હવે રાજ્ય સરકારે વેપારીઓના હિતમાં સમય મર્યાદામા વધારો કર્યો છે.
મહત્વનું છે કે રાજ્ય સરકારે સમય મર્યાદા વધારીને હવે 10 જુલાઈ 2021 સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સરકારે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ કર્મચારીઓ માટે કોરોના વેકસીનેસન અંગે એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં એકમોમાં કાર્યરત કર્મચારીઓ અને એકમના માલિકનું રસીકરણ ના થયું હોય તો એક લાખ રૂપિયા દંડ ફટકારવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં રસીની અછત સર્જાઇ છે. રાજ્યમાં વિવિધ કેન્દ્રો પરથી આવા સમાચાર મળી રહ્યા છે. રસીની અછત થતા કેટલાક સેન્ટરો બંધ કરવા પડ્યા હતા. જેના કારણે લોકોને ભારે મુશ્કેલી થઇ રહી છે. તેવામાં વેપારીઓને વેક્સિન મળવી મુશ્કેલ બની હતી. આ બધું ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વેપારીઓ માટે વેક્સિન લેવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે.