સુરત:પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીઆર વાન ઉભી રાખી વાહનચાલકોને આંતરી ટ્રાફિક નિયમ તોડવાના બહાને તોડ કરનાર પોલીસવાળાનો વીડિયો ફરતો થતા પુણા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પુણા વિસ્તારમાં રહેતો યુવક મંગળવારે બપોરે 12 વાગ્યે બાઈક લઈ પુણા કેનાલ BRTS રૂટથી આગળ ટીટી સેન્ટર પાસે અંદરના અવાવરૂ રસ્તા પાસેથી જતો હતો. ત્યારે ત્યાં પુણા પોલીસની પીસીઆર વાન- 23 ઉભી હતી. વાનનો કોન્સ્ટેબલ નિરલ કિરીટભાઈ અને મુકેશ રમણે બાઈક સવાર યુવકને આંતર્યો હતો. તેની પાસે લાઈસન્સ ન હતું.
મિત્રએ ફોનમાં રેકોર્ડિંગ ચાલુ કર્યું હતું
નિરલે એક હજાર રૂપિયા દંડ ભરી રસીદ લેવા કહેતા યુવકે તેના મિત્રને રૂપિયા લઈને બોલાવ્યો હતો. તેનો મિત્ર આવ્યો પરંતુ તેની પાસે પણ રૂપિયા ન હતા. ત્યારે યુવકના મિત્રએ ફોનમાં રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. જેની નિરલને ખબર ન પડી હતી. નિરલે છેલ્લે કહ્યું, વધુ રૂપિયા નથી તો 500-700 પણ ચાલશે. જોકે તેની રસીદ ન મળે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો હતો
યુવકે રસીદ વગર 500 રૂપિયા આપ્યા હતા. નિરલે રસીદ આપી ન હતી. નિરલે રૂપિયા લઈને યુવકને ત્યાંથી જવા કહ્યું હતું. યુવકના મિત્રએ તમામ ઘટના રેકોર્ડ કરી લીધી હતી. ત્યાર બાદ તે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધો હતો. રાત્રે આ બાબતે તોડ કરનાર 2 પોલીસ કર્મચારી વિરુદ્ધ પુણા પોલીસે એન્ટી કરપ્શનની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.