Sat. Dec 21st, 2024

પાલનપુર બન્યું ખાડાપુરઃકમર તોડી નાખે એવા ખાડાઓથી રાહદારીઓની હાલત કફોડી

બનાસકાંઠામાં મુખ્યમથક પાલનપુરમાં પ્રવેશતા જ એવું લાગે કે આને પાલનપુર કહેવું એના કરતા ખાડાપુર કહેવું વધુ યોગ્ય રહેશે. પાલનપુર શહેરમાં દિલ્હીગેટથી માલણ દરવાજા સુધીનો રસ્તો એકદમ બિસ્માર હાલત છે. આ રોડ પરથી 40 ગામના લોકો દરરોજ અવરજવર કરે છે. સ્થાનિકો પણ નગરપાલિકાની ઉદાસિનતાને કારણે હવે ધીરજ ગુમાવી ચૂક્યા છે. હવે લોકો પણ આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પાલનપુર નગરપાલિકાના વિકાસના દાવાઓ વચ્ચે શહેરના બિસ્માર રસ્તાઓ જ પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા છે. પાલનપુર શહેરને 40 ગામડાઓથી જોડતો દિલ્હીગેટથી માલણ દરવાજાનો મુખ્યમાર્ગ વર્ષોથી ખાડાખડીયા અને બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક લોકો સહિત વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

વર્ષોથી આ રોડ ખુબ જ ભંગાર હાલતમાં હોવા છતાં આ રોડને નવો બનાવવામાં આવતો નથી. દરવર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદમાં આ રોડ અનેક જગ્યાએથી તૂટી જાય છે અને તેમાં મોટા ખાડા પડી જતા તેમાં પાણી ભરાઈ જાય છે.

વાહન ચાલકો રોડ વચ્ચે પડેલા ખાડામાં તેમના વાહનો પસાર કરવા મજબુર બન્યા છે જેને લઈને અનેક વખત અકસ્માતમાં પણ સર્જાય છે આ બિસ્માર રોડને લઈને અહીંથી પસાર થતાં 40 જેટલા ગામોના લોકો પરેશાન છે. અનેક વર્ષોથી સ્થાનિક લોકો આ રોડને લઈને અનેક રજૂઆતો કરી ચુક્યા છે પણ આ રોડને નવો બનાવવામાં આવતો નથી.

વિકાસની વાતો કરતી સરકારે એક નજર પાલનપુર નગરપાલિકાના વિકાસના કામો તરફ પણ કરવી જોઈએ. લોકોની પ્રાથિમક સુવિધાઓમાં રોડ રસ્તા, પાણી, વીજળી હોય છે. ત્યારે હાલ પાલનપુરના દિલ્હી ગેટથી માલણ દરવાજા રોડ જાણે વિકાસ માટે રાહ જોઈ રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

હજારો વાહનો તેમજ લોકોની અવરજવર વાળા માર્ગ પર ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પાલનપુરથી અંબાજી જવા માટે પણ આ માર્ગનો જ ઉપયોગ કરવામાં આવે છે. સરકાર લાખો રૂપિયા નગરપાલિકામાં વિકાસ માટે ગ્રાન્ટ ફાળવણી કરે છે. ત્યારે સવાલ એ થાય છે કે, આ લાખો રૂપિયા વપરાય છે ક્યાં?

વર્ષોથી આ વિસ્તારના સ્થાનિક લોકો આ રોડને લઈને પરેશાન હોવા છતાં અને નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. રસ્તાને નવો બનાવવામાં આવતો નથી દર વર્ષે સામાન્ય વરસાદમાં આ રોડ ઉપર ખાડા પડી જાય છે.

પાલિકા માત્ર આ ખાડાઓમાં થીગડા પુરવાનું જ કામ કરે છે. જે ખાડાઓ સામાન્ય વરસાદમાં ફરી લોકોના મોત બની રસ્તા પર ઉભરી આવે છે. હવે જોવાનું એ રહેશે કે આ નગરપાલિકા પોતાની આળસૂ વૃતિમાંથી ક્યારે બેઠુ થાય છે.

Related Post

Verified by MonsterInsights