સુરેન્દ્રનગર માં મનરેગા યોજનામાં કૌભાંડ થયાનો મૂળીના ખેડૂતે આક્ષેપ કર્યો છે. મુળી તાલુકાના રાયસંગપરમાં ગેરકાયદે જોબકાર્ડના માધ્યમથી લાખોની છેતરપિંડી આચરવામાં આવી છે. એક ખેડૂતે જણાવ્યું કે તે ક્યારેય કામે ગયો નથી. કોઈ સહી પણ કરી નથી. આમ છતાં ખાતામાં રકમ આવીને બારોબાર ઉપડી જાય છે.
રાયસંગપર ગામમાં જ 300થી 400 બોગસ જોબકાર્ડ બનાવી લાખોની ઠગાઈ થયાની ખેડૂત એકતા મંચે કલેક્ટરને રજૂઆત કરી. અગાઉ લખતરના અણિયારી, મુળીના ગઢડા અને ચોટીલાના મોરસલ ગામમાં કૌભાંડ આચરાયું હતું. આ અંગે અધિકારીઓને વારંવાર રજૂઆત બાદ પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. ખેડૂત એકતા મંચે કૌભાંડની તપાસ TDO પાસેથી આંચકી લઈ કલેક્ટર કરે તેવી માંગણી કરી છે.