અમદાવાદઃ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. જે મુજબ વાસદ-તારાપુર-બગોદરા હાઇવે પર ટુ અને ફોર વ્હીલ પેસેન્જર વાહનો પાસેથી ટોલ ટેક્સ નહીં લેવામાં આવે. આ હાઇવેના રૂબરું નિરીક્ષણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી.
નીતિન પટેલે જણાવ્યું , દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતાં મધ્ય ગુજરાતના આ હાઇવે પર માત્ર માલવાહક ટ્રકો, ટેન્કર, ટ્રેલર, કન્ટેનર અને બસ જેવા મોટા વાહનો પાસેથી જ ટોલ ટેકસ વસૂલાશે. વાસદથી બગોદરા વચ્ચે તૈયાર થઈ રહેલા છ માર્ગીય રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે જણાવ્યું, 48 કિમીના પેકેજનું 95 ટકા કામ પૂરું થયું છે. એકાદ મહિનામાં કામ પૂરું થશે. દેશમાં નમૂનેદાર બની રહેનારા આ રસ્તાના લોકાર્પણ માટે પીએમને આમંત્રણ અપાશે.
અમદાવાદ થી વાસદ-તારાપુર-બગોદરા સ્ટેટ હાઇવે કામગીરીનું માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે નિરક્ષણ કરતાં માન. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ. pic.twitter.com/VLasCfAIAu
— Nitin Patel (@Nitinbhai_Patel) July 31, 2021
બગોદરાથી વટામણના બીજા પેકેજ સહિત વાસદ-બગોદરા હાઇવે 101 કિમીનો તૈયાર થશે. આ સમગ્ર રસ્તા પર 21 કિમીના ફ્લાય ઓવર બાંધવામાં આવ્યા છે. ક્રોસ રોડને અવરોધ્યા વગર સડસડાટ ચાલે તે માટે 20 ટકા ફ્લાય ઓવર હોય તેવો દેશનો સર્વપ્રથમ હાઇવે છે ઉપરાંત દરેક જકંશને ઓવરબ્રિજને મળીને આશરે અડધા રસ્તા પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ-મધ્ય ગુજરાતને જોડતા આ હાઇવે પર અનેક તીર્થસ્થાનો આવ્યા છે.
ગુજરાતમાં જુલાઈ મહિનામાં કોરોનાના કેટલા કેસ નોંધાયા
ગુજરાતમાં જુલાઇ મહિના દરમિયાન કોરોનાની ગતિ મંદ પડી છે. જુલાઇ મહિનામાં કોરોનાના ૧૩૫૪ નવા કેસ સામે આવ્યા હતા જ્યારે ૧૭ના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ પૈકી ૧૮ જુલાઇ બાદ કોરોનાથી એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી.ગુજરાતમાં એક સમયે એવી સ્થિતિ હતી કે પ્રત્યેક દિવસે ૧૩૦૦થી વધુ કેસ નોંધાતા હતા. જેની સરખામણીએ હવે પૂરા મહિના દરમિયાન કુલ ૧૩૫૪ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૭ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ ૧૩માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ ૨૫૨ એક્ટિવ કેસ છે જ્યારે ૬ દર્દી વેન્ટિલેટર પર છે. જુલાઇના પ્રારંભે રાજ્યમાં ૨૭૯૪ એક્ટિવ કેસ હતા.