રાજ્યમાં કોરોના વાયરસનાં કેસ સતત ઓછા જ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ ફરીથી લંબાવી દેવામાં આવ્યું છે, રાજ્યનાં આઠ મોટા શહેરો એટલે મહાનગર પાલિકાઓમાં આ રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો અંગે નિર્ણયો કરી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી છે. 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે.
અગાઉ 28 જુલાઈના રોજ 8 શહેરોને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી હતી. તેમજ ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. આ ઉપરાંત 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.ગુજરાતીઓને રાત્રિ કર્ફ્યૂનાં સમયમાં પણ કોઈ ખાસ રાહત મળી નથી. રાતનાં 11 વાગ્યાથી સવારનાં છ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ પડશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં કર્ફ્યૂ લાગુ રહેશે.
ઉલ્લેખનીય છે કે આ સિવાય ગુજરાતમાં જે પ્રતિબંધો કોરોના વાયરસ ગાઈડલાઇન તથા સોશ્યલ ડિસ્ટન્સને અનુલક્ષીને લગાવવામાં આવ્યા છે તે બધા જ નિયંત્રણો એમના એમ જ ચાલુ રાખવામાં આવ્યા છે અને કોઈ જ નવી છૂટછાટ આપવામાં આવી નથી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ 183 એક્ટિવ કેસ છે અને 7 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,73,162 દર્દીઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં કોરોના માટે અભૂતપૂર્વક રસીકરણ થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધારે કોરોનાની રસીના ડોઝ અપાયા છે.