વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં આજે યાત્રી સુવિધાનો ઉદય થશે. સોમનાથ મંદિર નજીક અંદાજે 25 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો શિલાન્યાસ PM ના હસ્તે થશે. પાર્વતી માતાના મંદિરના દાતા એવા ઉદ્યોગપતિ ભીખુભાઈ ધામેલીયા પરિવાર સાથે સોમનાથ આવી પહોંચ્યા છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, સોમનાથમાં શ્રદ્ધાનો આ અવસર છે, હું તો નિમિત્ત માત્ર છું.
લોકાર્પણ કાર્યોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) આજે સોમનાથ પહોંચ્યા છે. સોમનાથમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પવિત્ર શ્રાવણ માસમાં આજે દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત પર સોમનાથ દાદાના કૃપા આશિષ વરસતા રહે અને સૌ સ્વસ્થ રહે, ગુજરાત વિકાસ રાહે સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના પણ કરી હતી.
પ્રવાસન મંત્રી જવાહર ચાવડા પણ મુખ્યમંત્રી સાથે દર્શન પૂજનમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પવિત્ર સોમનાથ તીર્થ ક્ષેત્રમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીથી થનારા વિવિધ વર્ચ્યુઅલ લોકાર્પણ ખાતમુહૂર્ત અવસરે સોમનાથની એક દિવસીય મુલાકાતે છે.
આજે સોમનાથ (Somnath) માં ચાર વિકાસના કાર્યોનું પ્રધાનમંત્રી આજે લોકાર્પણ કરશે. સાથે જ અતિસુંદર એવા પાર્વતી મંદિરનું ખાતમુહૂર્ત પણ કરશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી (PM Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી હાજર રહેશે.
ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ (somnath temple) ના મંદિર ખાતે વિવિધ વિકાસકાર્યોનું પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) ના હસ્તે ઈ લોકાર્પણ થશે. પ્રધાનમંત્રી 83 કરોડ રૂપિયાના જુદા જુદા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. સોમનાથ મંદિરના રામમંદિર ઓડિટોરિયમમાં લોકાર્પણ કાર્યક્રમો યોજાનાર છે.
સોમનાથથી મંદિરથી થોડે દૂર 30 કરોડના ખર્ચે પાર્વતી મંદિર બનાવાશે તેનું પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ભૂમિપૂજન કરશે. આ સાથે સોમનાથ મંદિરની પાછળ આવેલા દરિયાકિનારે 49 કરોડ રૂપિયાના ખર્ચે વોક વે ખુલ્લો મૂકાશે. એક કિલોમીટર લાંબા વોક વેને ‘સમુદ્ર દર્શન’ નામ અપાયું છે. આ સાથે પ્રાચીન કલાકૃતિ ધરાવતું નવનિર્મિત મ્યુઝિયમ અને અહલ્યાબાઈ હોલકર મંદિરનું ઉદ્ઘાટન થશે. મુખ્યમંત્રી રૂપાણી સોમનાથના કાર્યક્રમમાં હાજર રહેશે.
સોમનાથ પહોંચેલા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, સોમનાથ ભારતીય સંસ્કૃતિનું ધરોહર છે. આ ભૂમિ પર માતા પાર્વતીજીનું મંદિર આકાર લઈ રહ્યું છે. મેં આજે સોમનાથ મંદિરમાં પૂજા અને ધજા ચઢાવી. આજે મેં ગુજરાતમાં સારો વરસાદ થાય તે માટે પ્રાર્થના કરી છે. સોમનાથમાં પ્રસાદ યોજના હેઠળ પાર્કિંગ, સફાઈ અને સ્વચ્છતા હેઠળ વિકાસ કરવામાં આવી રહ્યો છે.