Mon. Dec 23rd, 2024

રાજકોટ:રાજવી પરિવારની મિલકતના વિવાદમાં ઠાકોર માંધાતાસિંહને મોટો ઝાટકો

રાજકોટના રાજવી પરિવારમાં 1500 કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મિલકત વહેંચણી મામલે છેલ્લા એકાદ વર્ષથી ખટરાગ ચાલી રહ્યો છે. આ કાયદાકીય લડત પણ હવે મહત્વપૂર્ણ તબક્કા ઉપર આવી પહોંચી છે. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ પૈતૃક મિલકતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યાના મુદ્દે તેમના બહેન રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યા છે. આ પૈકી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ છે.

અંબાલિકા દેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજી સહિતના આધાર-પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને અંબાલિકા દેવી તરફી ચુકાદો આપ્યો છે. ઠાકોર સાહેબ માંધાતાસિંહે સરધાર અને માધાપરની મિલકતના હક્કપત્રકમાંથી બહેન અંબાલિકા દેવીનું નામ કમીની જે નોંધ કરાવી હતી એ નામંજૂર કરતા માંધાતાસિંહને કાનૂની લપડાક લાગી છે.

પ્રાંત અધિકારીના ચુકાદાને માંધાતાસિંહ કલેકટર સમક્ષ પડકારી શકશે
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે માધાપર અને સરધારની જમીન મામલે માંધાતાસિંહના બહેન રાજકુમારી અંબાલિકા દેવીની તરફેણમાં હુકમ કર્યો છે. આ હુકમને ઠાકોર સાહેબ માંધાતાસિંહ કલેકટર સમક્ષ પડકારી શકશે. પ્રાંત અધિકારીએઆપેલા ચુકાદાને 60 દિવસમાં માંધાતાસિંહ કલેકટર સમક્ષ અપિલ દાખલ કરી શકશે.

પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે માધાપર અને સરધારની જમીન મામલે માંધાતાસિંહના બહેન રાજકુમારી અંબાલિકા દેવીની તરફેણમાં હુકમ કર્યો - ફાઈલ તસ્વીર
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે માધાપર અને સરધારની જમીન મામલે માંધાતાસિંહના બહેન રાજકુમારી અંબાલિકા દેવીની તરફેણમાં હુકમ કર્યો – ફાઈલ તસ્વીર

શું છે સમગ્ર મામલો
રાજ્યના ભૂતપૂર્વ નાણાંમંત્રી અને રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે આ વિવાદ ઊભો થયો છે. જેમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલિલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ એ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે.

વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ રિલીઝ ડીડ થઇ શકેઃ બહેન
સામે રાજસ્થાનનાં પુષ્કરમાં પરણેલા આ રાજકુમારીનું કહેવું છે કે, પિતાનાં અવસાન બાદ પોતે સહ પરિવાર માતાને મળવા રાજકોટ આવ્યા ત્યારે ભાઇએ આશાપુરા મંદિરના રખવાળમાં વારસોની સહીની જરૂર ન પડે એવું બહાનું ધરીને જે કાગળોમાં સહી કરાવી એમાં રિલીઝ ડીડ પણ બનાવડાવી લીધું છે. વાસ્તવમાં મિલકતોમાં તમામ વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ રિલીઝ ડીડ થઇ શકે. જ્યારે આમાં તેમ નથી બન્યું અને રેવન્યુ રેકોર્ડમાંની એ નોંધ વિશે કલમ 135(ડી) મુજબ નોટિસ મળી ત્યારે જાણ થતાં વાંધા અરજી કરવામાં આવી હતી. આવા એક કેસમાં મામલતદારે નામ રદ કરતી નોંધ રદબાતલ ઠરાવી છે.

માંધાતાસિંહ (જમણી બાજુથી પહેલા), તેમના પિતા સ્વ.મનોહરસિંહ જાડેજા (વચ્ચે) અને પુત્ર જયદીપસિંહની ફાઇલ તસવીર.
માંધાતાસિંહ (જમણી બાજુથી પહેલા), તેમના પિતા સ્વ.મનોહરસિંહ જાડેજા (વચ્ચે) અને પુત્ર જયદીપસિંહની ફાઇલ તસવીર.

આ રીતે પિતાએ મિલકતની વહેંચણી કરી હતી
રાજકુમારીએ દિવાની કેસ નોંધાવીને સંયુક્ત હિન્દુ કુટુંબની મજિયારી વારસાઇ મિલકતમાંથી પાંચમા ભાગનો હિસ્સો મેળવવા, રિલીઝ ડીડ નલ એન્ડ વોઇડ ગણવા તથા વસિયત બંધનકર્તા નહીં હોવાનું ડેક્લેરેશન કરી આપવા દાદ માગી છે. 31 ઓગષ્ટે તેમાં આગળની સુનાવણી થશે. તારીખ 6 જુલાઈ 2013ના રોજ મનોહરસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજાનાં નોટરાઇઝ્ડ વીલમાં ધર્મપત્ની માનકુમારી દેવીને પેલેસમાં ચોક્કસ માર્કિંગવાળો ભાગ, દ્વારકા સ્થિત મકાન (દ્વારકેશ ભુવન) અને રૂપિયા અઢી કરોડ, પુત્રીઓ શાંતિદેવી જાડેજા, અંબાલિકાદેવી બુંદેલા અને ઉમાદેવી પરિહારને રૂપિયા દોઢ-દોઢ કરોડ, પૌત્ર જયદીપસિંહને મુંબઇ સ્થિત બે ફ્લેટ (નરેન્દ્ર ભુવન), પોતાના 13 સહાયકોને કુલ રૂપિયા 30.50 લાખ તેમજ બાકીની તમામ સ્થાવર-જંગમ મિલકત પુત્ર માંધાતાસિંહના નામે કરવામાં આવી હતી.

રાજઘરાનાની આટલી મિલકતનો વિવાદ
મિલકત – ક્ષેત્રફળ – બજાર કિંમત
રણજીત વિલાસ પેલેસ – 30035 ચો.મી. – રૂ.300 કરોડ
રાજશ્રુંગી બિલ્ડીંગ(પેલેસ રોડ) – 2480 ચો.મી. – રૂ.49.60 કરોડ
જુનો દરબારગઢ – 10560 ચો.મી. – રૂ.52.80 કરોડ
ગુરુવરદ 1(અમદાવાદ-ભાવનગર બાયપાસ નજીક) – 800 ચો.મી. – રૂ.200 કરોડ
સરધાર દરબારગઢ અને સુરાપુરા મંદિર – 3225 ચો.મી. – રૂ. 3.23 કરોડ
રાંદરડા લેક ફાર્મ – 140630 ચો.મી. – રૂ.210 કરોડ
પીંજરાવાડી – 24281 ચો.મી. – રૂ. 36.42 કરોડ
રાંદરડા છેક ફાર્મને લાગુ જમીન – 7993 ચો.મી. – રૂ.11.98 કરોડ
કુવાડવા રોડ પર જમીન – 1214 ચો.મી. – રૂ.2.18 કરોડ
માધાપર વીડી – 2328405 ચો.મી. – રૂ.873 કરોડ
સરધાર દરબારગઢને લાગુ જમીન – 5465 ચો.મી. – રૂ.1.63 કરોડ

Related Post

Verified by MonsterInsights