અમદાવાદ : જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે ફતેહવાડી કેનાલમાં સાબરમતી નદીનું પાણી છોડવામાં આવ્યું છે.ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 578 ક્યુસેક પાણીની આવક થઈ હતી.
પરિણામે ફતેહવાડી કેનાલમાં સાબરમતીનું 510 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ફતેહવાડી કેનાલમાંથી છોડાયેલા પાણીથી અમદાવાદ જિલ્લાના સાણંદ, ધોળકા, બાવળા અને ધંધુકા તાલુકાને સિંચાઈલક્ષી પાણી મળી રહેશે.
ગુજરાત સરકારે 27 જુલાઈના રોજ ફતેવાડી અને ખારીકટ કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. પાણીના અભાવે ડાંગરની ખેતીને અસર થઈ રહી હતી. ખેડૂતોએ આ કેનાલોમાં પાણી છોડવા અંગે ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ રજુઆત કરી હતી.
સરકાર દ્વારા આ કેનાલોમાં પાણી છોડવામાં આવતા લેતા સાણંદ, ધોળકા અને ધંધુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. ગત જુલાઈ મહિનામાં ફતેવાડી કેનાલમાં પાણી છોડવાની ખેડૂતોએ માંગ કરી હતી. વરસાદ ખેંચાતા ડાંગરના પાકને સિંચાઇના પાણીની જરૂરિયાત ઉભી થઇ હતી.
અમદાવાદ જિલ્લામાં વરસાદ પડ્યો નથી તેમજ ખેડૂતોને પાણી ન મળતા ફતેવાડી કેનાલના આસપાસના ગામોમાં ડાંગરનો પાક સુકાઈ રહ્યો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો હતો. તેમજ ફતેવાડી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો એકત્ર થયા હતા.