રાજકોટમાં પાંચ પેઢીથી દેશ- વિદેશનાં કૃષ્ણ મંદિર- હવેલી, નાથદ્વારા, દ્વારકા, ડાકોર, શામળાજી, ચંપારણમાં મહાપ્રભુજીના શૃંગાર- આભૂષણ બનાવતા ઝવેરીએ આભૂષણ બનાવવાની આખી પ્રક્રિયા જણાવી.
શ્રીકૃષ્ણ ભગવાનના આભૂષણ બનાવતી વેળાએ એક અલગ પ્રકારનો અહોભાવ આવી જાય છે. જેનું વર્ણન શક્ય નથી. એવું લાગે કે જાણે ખુદ શ્રીકૃષ્ણ ભગવાન અમારી અંદર બીરાજીને આભૂષણ તૈયાર કરે છે. તેમ પાંચ પેઢીથી શ્રીકૃષ્ણના આભૂષણ બનાવનાર ઝવેરી સુનિલભાઈ જમનાદાસ વાગડિયા જણાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે પાંચ પેઢીથી જે આભૂષણ બન્યા છે તે નાથદ્વારા, દ્વારકા, ડાકોર, શામળાજી, ચંપારણ, અમેરિકા-લંડનના મંદિરમાં શ્રીકૃષ્ણને ચઢાવવામાં આવ્યાં છે.
બાલકૃષ્ણના આભૂષણની ડિઝાઈન અષ્ટ સખાના વર્ણન પરથી બને છે. ભક્તો સુખડના કાષ્ઠથી લઇને, સોના-ચાંદી, હીરા-માણેક, પન્ના, રિઅલ ડાયમંડ, રિઅલ છીપના મોતીમાંથી ભગવાનના આભૂષણ ખાસ ઓર્ડર આપીને બનાવે છે.
દેશદેશાવરના શ્રીકૃષ્ણ ભક્તો ખાસ ઓર્ડર આપીને આભૂષણો બનાવડાવે છે
રાજકોટનો ઝવેરી પરિવાર છેલ્લી પાંચ પેઢીથી ભગવાનનાં આભૂષણો બનાવવાનું કામ કરે છે. ખાસ વાત એ છે કે આ કામગીરીમાં કોઈપણ પ્રકારની મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો નથી. આભૂષણો બનાવવાની પ્રક્રિયા કટિંગ, પોલિશિંગ જેવા 15 વિવિધ તબક્કામાં વહેંચાયેલી છે. આ આભૂષણોને બનાવતા ત્રણથી 15 દિવસ જેટલો સમય લાગે છે.
ભકતો 101થી પણ વધારે શ્રૃંગાર ઠાકોરજી માટે તૈયાર કરાવડાવે છે
ઠાકોરજીના દરેક શૃંગારનું અનેરું મહત્ત્વ છે. દરેક શૃંગાર શ્રીકૃષ્ણની શોભામાં વધારો કરે છે. ઠાકોરજી તો ચણોઠીની માળા( ગુંજામાળા)થી પણ પ્રસન્ન થઇ જાય છે, પરંતુ દરેક ભક્તો તેની આસ્થા અને શક્તિ મુજબ ગુંજામાળાથી નખશિખ સુધી 101થી વધુ શૃંગાર ભેટમાં ધરે છે. જેની કિંમત લાખો અને કરોડોમાં આંકી શકાય છે. ઠાકોરજીના શૃંગારમાં મુગટ, માલાજી, બંસી, પાઘ, શહેરો, ટીપારો, શિરપેચ, શીશફૂલ, કલગી, કુંડળ, હીરાજડિત, ગોપમાલા, હાંસ, કંઠેશ્વરી, કટીપેચ, બાજુબંધ, બંસરી, છડી, કડા, નેત્ર- નખાવલી, છડી, તોળા વગેરે ગણી શકાય. જોકે હવે ડિઝાઈનમાં આધુનિકીકરણ આવતું જાય છે પરંતુ પરંપરાગત શૃંગારનું મહત્ત્વ આજેય પણ અકબંધ છે. તેમ ઠાકોરજીના શૃંગાર- આભૂષણ બનાવનાર નવનીતભાઇ વાગડિયા જણાવે છે.